તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઇ જૂથવાદ નથી, જિલ્લાના પાંચેય યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે : જયેશ રાદડિયા

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરિફ કરાવવા જયેશ રાદડિયાએ તખ્તો તૈયાર કરવામાં આવ્યો.
  • રાજકોટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ
  • યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસે નથી કર્યો પ્રવેશ, વર્તમાન પ્રમુખ અને ધારાસભ્ય આમને-સામને

રાજકોટમાં આજે રાજ્યકક્ષાના 72માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના કુલ પાંચ યાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણી પૂર્વે સહકારી જગતમાં આંતરિક ખટરાગ જોર પકડવા લાગ્યો છે. આ અંગે નિવેદન આપતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઇ જૂથવાદ નથી, જિલ્લાના પાંચેય યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે. ચેરમેન અને વાઇસ ચેરમેન કોને બનાવવા તેનો નિર્ણય ભાજપનું મોવડી મંડળ લેશે. હાલમાં પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. યાર્ડની ચૂંટણીઓમાં કોઇ જુથવાદ નથી.

વૃક્ષારોપણ કર્યું હતું
વૃક્ષારોપણ કર્યું હતું

ઉપલેટા યાર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટનો વારો
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જ નહિં પરંતુ જિલ્લાના પાંચેય માર્કેટ યાર્ડમાં ચૂંટણીને બદલે બિનહરિફ પેનલના પ્રયાસ છે. પ્રથમ તબક્કે જામકંડોરણા યાર્ડને હાથમાં લેવામાં આવ્યું હતું. જ્યાં બુધવારના રોજ બિનહરિફ પેનલ થઈ ગઈ હતી. હવે ઉપલેટા યાર્ડની ચૂંટણીનો વારો છે. તેના દાવેદારોને સમજાવીને બિનહરીફ પેનલ તૈયાર કરવાનાં પ્રયાસ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ યાર્ડને લાગે વળગે છે ત્યાં સુધી હજુ કોઈ વાતચીત કે બેઠક કરી નથી. એટલુ નક્કી છે કે તમામ દાવેદારોને સમજાવટ કરીને ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયત્નો થશે તે સફળ પણ રહેવાનો વિશ્વાસ છે. ઉપલેટા યાર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટનો વારો આવશે.

ભાજપ આગેવાને ચૂંટણી મુદ્દે વાંધા અરજી કરી
આ ઉપરાંત રાજકોટ ભાજપના સહકારી આગેવાન બાબુ નસીત દ્વારા ચૂંટણી મુદ્દે થોડા દિવસ પહેલા વાંધાઓ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મતદાર યાદી સામેના સાત વાંધાઓમાંથી બે વાંધાઓ ફગાવાયા હતા. જેમાં લોધિકા સહકારી મડળી અને પડધરી તાલુકાના બોડીઘોડી ગામની સહકારી મડળીના વાંધાઓ રજિસ્ટ્રારએ ફગાવ્યા હતા. રજિસ્ટ્રાર દ્વારા પ્રાથમિક મતદાર યાદી પૂન પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડુત વિભાગમાં 1429,વેપારી વિભાગમા 570 અને સહકાર વિભાગના 125 મતદારો છે.

જામકંડોરણા યાર્ડની ચૂંટણીમાં પેનલ બિનહરિફ કરાવી.
જામકંડોરણા યાર્ડની ચૂંટણીમાં પેનલ બિનહરિફ કરાવી.

વૃક્ષોના વાવેતર પર ભાર મૂક્યો હતો
72માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો મંત્રી જયેશભાઇ રાદડિયાએ રાજકોટ શહેર સ્થિત ઈશ્વરીયા પાર્ક ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.વલસાડ તાલુકાના કલગામ ખાતે CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના વન મહોત્સવના કાર્યક્રમનું ઈશ્વરીયા પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જીવંત પ્રસારણ કરાયું હતું. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા મંત્રીશ્રી રાદડિયાએ રજૂ કરી હતી. અને ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષોના વાવેતર પર ભાર મૂક્યો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન પ્રમુખ ડી.કે. સખીયા.
રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન પ્રમુખ ડી.કે. સખીયા.

વર્તમાન પ્રમુખ અને ધારાસભ્ય આમને-સામને
હાલ રાજકોટ માર્કેટ યાર્ડની આગામી ઓકટોબર માસમાં યોજાનાર ચૂંટણી પૂર્વે શાસકપક્ષ ભાજપના બે જૂથો વચ્ચે જબરી ખેંચતાણ શરૂ થઈ છે અને સમાધાન થાય નહીં તો ભાજપના જ બે જૂથોની પેનલ આમને-સામને આવી જાય તેવી સ્થિતી છે. યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રવેશ નથી કર્યો પરંતુ માર્કેટ યાર્ડના વર્તમાન પ્રમુખ ડી.કે. સખીયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી આમને-સામને ચૂંટણી માટે લડી રહ્યાં છે. ત્યારે ગમે તેવી આંતરીક લડાઈ કે ટક્કર વચ્ચે તેને બિનહરીફ કરાવવાનો જ ટાર્ગેટ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય અરવિંદ રૈયાણી
ધારાસભ્ય અરવિંદ રૈયાણી

CMએ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને જવાબદારી સોંપી
CMના હોમટાઉન રાજકોટમાં આગામી ધારાસભાની ચૂંટણીઓ ધ્યાને લઈ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઈ આંતરિક વિવાદ થાય નહીં અને યાર્ડની ચૂંટણી બિનહરીફ થાય તે માટે CM વિજય રૂપાણીએ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને જવાબદારી સોંપી છે. 2 દિવસ પહેલા જયેશ રાદડીયાએ માર્કેટ યાર્ડની ચૂંટણી લડવા માંગતા દરેક જૂથોની બેઠક યોજી સહમતી સાધવા પ્રયાસો કર્યા હતા.

સમગ્ર તખ્તો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચી શકે છે !
બેઠકમાં રાદડીયાની હાજરીમાં જ બે જૂથ વચ્ચે બહુમતી બેઠકો માટે જબરી ખેંચતાણ થતાં બેઠક નિષ્ફળ રહી હતી.સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જયેશ રાદડીયાને રાજકોટ યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવાનો ટાર્ગેટ ગાંધીનગરથી સોંપાયો છે પરંતુ, જો તેમાં સફળતા મળે નહીં તો સમગ્ર તખ્તો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...