રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાને કારણે મોત થવાના કિસ્સાઓએ અનેક લોકોને ઘેરી ચિંતામાં નાખી દીધા છે. હૃદયરોગના કિસ્સામાં જો સમયસર નિદાન અને સારવાર થાય તો જ જીવ બચાવી શકાય છે અને તે મામલે રાજકોટ મહાનગરપાલિકા સજાગ થઈ છે અને આરોગ્ય કેન્દ્રોમાં ઈસીજી મશીન મૂકવામાં આવ્યા છે. શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર છે. મોટા વોર્ડમાં બે સ્થળે આરોગ્યની સેવા અપાઈ રહી છે ત્યારે તમામ 23 આરોગ્ય કેન્દ્રમાં ઈસીજી મશીન મુકાતા કોઈ વ્યક્તિને હાર્ટ એટેક અથવા તો છાતીમાં દુ:ખાવાની પીડાં થશે તો માત્ર પાંચ મિનીટમાં આરોગ્ય કેન્દ્ર પર પહોંચી શકાશે અને સારવાર થઈ શકશે.
હૃદયરોગના નિદાન માટે મહત્વના ગણાતા ઈલેક્ટ્રોકાર્ડિયોગામ(ઈસીજી) માટે મનપાએ ઘણા સમય પહેલા જ મશીનો મંગાવવા માટે વિચારણા હાથ ધરી હતી પણ મશીનના ટેન્ડર માટે યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. બાદમાં ટેન્ડરમાં ફેરફાર કરવામા આવ્યા હતા અને હૃદયરોગના કેસ વધી રહ્યા છે તે સમયે જ ડિલિવરી મળી ગઈ અને સ્ટાફને તાલીમ પણ આપી દેવાઈ છે. રાજકોટ મનપા હસ્તક 23 આરોગ્ય કેન્દ્રો છે અને આ તમામ કેન્દ્રોમાં ઈસીજી મશીન પહોંચી ગયા છે. આ કારણે તેની આસપાસના વિસ્તારોમાં કોઇપણ વ્યક્તિને હૃદયરોગના લક્ષણો જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ તપાસ કરાવી શકાશે અને તબીબ નિદાન કરીને પ્રાથમિક સારવાર આપી શકશે. સૌથી મહત્વની વાત છે કે આ ટેસ્ટ સંપૂર્ણપણે વિનામુલ્યે કરાશે તેથી ગરીબ અને મધ્યમ વર્ગ કે જેને આવી ઈમર્જન્સીમાં છેક સિવિલ હોસ્પિટલ પહોંચવુ પડે છે તેને બદલે નજીકના જ આરોગ્ય કેન્દ્રમાં જઈને નિદાન કરાવી શકશે આ રીતે અનેક લોકોના જીવ સમયસર નિદાનને કારણે બચાવી શકાશે.
વધુ 23 પ્રકારના રિપોર્ટ કરવા માટે મશીનો મુકાયા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પ્રકારના રીપોર્ટ કરવા માટે મશીનો ખરીદ કરવા અંગેનો 2 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળી છે. કેન્દ્રોમાં બ્લડ રીપોર્ટ કરવા માટેની સુવિધા હતી પણ હવે તમામ સેન્ટર પર નવા મશીનો આવતા સીબીસી, હિમોગ્લોબીન સહિતના રીપોર્ટ વધુ ચોક્કસાઈ અને ઝડપથી થશે. આ ઉપરાંત છ મોટા આરોગ્ય કેન્દ્રો પર કેમિકલ એનેલાઈઝર મૂકાશે જેને કારણે ખાનગી લેબોરેટરીમાં થતા ખર્ચ બચી શકશે.
કેમિકલ એનેલાઈઝરમાં અત્યાર સુધી ન થતા તમામ 23 રીપોર્ટ આરોગ્ય કેન્દ્રોમાં થશે જેમાં કોલેસ્ટ્રોલ, સીઆરપી, ડીડાઈમર, ક્રિએટીનીન સહિતના વિવિધ પ્રકારના એનાલિસીસ કરીને દર્દીને કઈ સમસ્યા છે તેનુ અદ્યતન મશીન વધે સચોટ નિદાન થશે. આ તમામ ટેસ્ટ પૈકી અમુક ટેસ્ટ ખાનગી લેબમાં 100 રૂપિયામાં થાય જ્યારે ડીડાઈમર સહિતના ટેસ્ટનો ચાર્જ 700થી 1000 રૂપિયા જેટલો થાય છે. આ ટેસ્ટ કરવા માટે લેબ ટેક સહિતનો સ્ટાફ મનપામાં પહેલાથી જ ઉપલબ્ધ છે તેવુ આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ સગર્ભાઓના ઘરે જાય છે અને તેમના બ્લડ સેમ્પલ લઈને બાદમાં ચેક કરે છે. તેને બદલે હવે નવા પોર્ટેબલ મશીન આવ્યા છે જે બ્લડ સુગર માપવાના મશીન જેવા જ હશે અને તે રીતે જ કામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.