મ્યુકોરમાઇકોસિસની હાર, જિંદગીની જીત:કોઈએ મનોબળ મજબૂત રાખ્યું, કોઈએ ડોક્ટર પર વિશ્વાસ તો કોઈએ પોતાના પર ભરોસો રાખ્યો, અંતે ચાર મહિને 3- 3 લોકોએ નવી જિંદગી શરૂ કરી

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ધોરાજી, જેતપુ૨ અને મો૨બીના ત્રણ દર્દી પાંચ મહિનાની લાંબી, જટિલ અને ખર્ચાળ સા૨વા૨ બાદ આજે ફરી પોતાની જિંદગી જીવવા લાગ્યા

કોરોનાની બીજી ઘાતક લહેરમાં કોરોના થયા બાદ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસ નામના રોગમાં સપડાય રહ્યા છે. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલ સહિત 1000થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. આ મહામારી ખર્ચાળ પણ છે અને દર્દીઓના જીવ પર જોખમ પણ આવી જાય છે. ત્યારે રાજકોટમાં ત્રણ-ત્રણ વ્યક્તિએ મ્યુકોરમાઇકોસિસને માત આપી નવી જિંદગી શરૂ કરી છે. કોઈએ મનોબળ મજબૂત રાખ્યું, કોઈએ ડોક્ટર પર વિશ્વાસ રાખ્યો તો કોઈએ પોતાના પર ભરોસો રાખ્યો અને અંતે, મ્યુકોરમાઇકોસિસને માત આપી.

સારવારની ચિંતા એકબાજુ મૂકી એટલે સ્વસ્થ થયો- ધોરાજીના રમેશભાઇ
ધોરાજીમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા રમેશભાઈ માંડલિયા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ હેમખેમ થઈ પોતાના ઘરે પહોંચ્યા છે અને તેમણે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી દીધો છે. રમેશભાઇ કોરોનામુક્ત થયાના થોડા દિવસ બાદ દાંતમાં દુખાવો શરૂ થયો હતો, આથી નજીકની હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ ફરક ન પડતાં રાજકોટ આવ્યા અને રિપોર્ટ કરાવતાં મ્યુકોરમાઇકોસિસ આવ્યો. રમેશભાઇએ જણાવ્યું હતું કે દરરોજ 6 ઇન્જેક્શન આપવામાં આવતાં હતાં. તાળવું અને જમણી બાજુના દાંત કાઢી નાખવામાં આવ્યાં છે. બોલવામાં તકલીફ પડે છે, પણ આગળની જિંદગી સારી રહેશે. મેં સારવારની ચિંતા એકબાજુ મૂકી દીધી હતી. જે થશે એ જોયું જાશે, એવી માનસિકતા બાંધી લીધી હતી. પરિણામે, મારી સારવાર કારગત નીવડી છે.

ચાર વખત સર્જરી સહન કરીને મ્યુકોરમાઇકોસિસનો જંગ જીત્યા
મોરબીમાં ૨હેતા ભૂદરભાઈએ ચાર વખત સર્જરી સહન કરીને મ્યુકોરમાઇકોસિસનો જંગ જીત્યો છે. ભૂદ૨ભાઈની સા૨વા૨ ક૨ના૨ તબીબે જણાવ્યું હતું કે અન્ય કેસની સ૨ખામણીમાં આ કેસ થોડો વધુ જટિલ હતો. નિદાન દ૨મિયાન નાક અને બન્ને બાજુના તાળવામાં ફંગસ અંદ૨ સુધી પહોંચવા પ૨ હતું અને જો આ ફંગસ વધે તો દર્દીની સ્થિતિ વધુ ગંભી૨ બને એવું બન્યું હતું. અમે પણ ધી૨જ રાખી અને એક પછી એક ઓપરેશન કરીએ ત્યાં બીજી તકલીફ ઊભી થતી હતી. છેલ્લે, બધું જ સારું થયું ત્યાં નાકમાંથી લોહી નીકળતાં એના માટે સર્જરી કરી હતી. દોઢ મહિનાના સમયમાં ચા૨ વખત ઓપરેશન ક૨વામાં આવ્યાં હતાં અને હાલ તેઓ પણ સા૨વા૨ લઈ તેમના પરિવા૨ સાથે જીવન જીવી ૨હ્યા છે.

કનુભાઈ આજે દીકરા સાથે ખેતી પણ કરી રહ્યા છે.
કનુભાઈ આજે દીકરા સાથે ખેતી પણ કરી રહ્યા છે.

તબીબોની સારવાર અને ધીરજથી મારા પિતા સ્વસ્થ થયા
જેતપુર પંથકના 62 વર્ષના કનુભાઈ રાદડિયાને પ્રથમ વેવ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ થોડા સમયમાં મ્યુકો૨માઇકોસિસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરંતુ આ ગંભી૨ બીમારી જાણીતી ન હોવાથી સામાન્ય રીતે ઈએનટી સર્જનની સા૨વા૨ કરી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અહીં ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડો.ડેનિશ આ૨દેશણાને મ્યુકો૨માઇકોસિસની શંકા જતાં જરૂરી નિદાન કરી સા૨વા૨ શરૂ કરી હતી. ડો.ડેનિશ આ૨દેશણા જણાવે છે કે દાદા આવ્યાં ત્યારે તેમનું શરી૨ સુકાવાથી ઈમ્યુનિટીની ઊણપથી ચાલી શકે એવી સ્થિતિ ન હતી. બે ઓપરેશનમાં પ્રથમ નાક માટે અને બીજી વખત તેમના તાળવાની સર્જરી ક૨વામાં આવી હતી. કનુભાઇના દીકરા મનસુખભાઇએ જણાવ્યું હતું કે મારા પિતા અત્યારે મારી સાથે ખેતીકામ કરી ૨હ્યા છે. અમે મોંઘી પણ સારી સા૨વા૨ મળી એ માટે ધી૨જ રાખી અને જરૂરી આર્થિક વ્યવસ્થા પણ કરી હતી.