ચોરી વધતા ચૂંટણી બહિષ્કારની ચીમકી:જસદણના વીરનગરમાં બે ઓઈલ મિલમાં રૂ.1.30 લાખની ચોરી, અગાઉ સ્મશાનનો ખાટલો ચોરાયો, 2 મહિનામાં 6 બનાવ, ગ્રામજનોમાં રોષ

રાજકોટ10 દિવસ પહેલા

જસદણ તાલુકાના વીરનગર ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ હોય તેમ છેલ્લા 2 મહિનામાં ચોરીના 6 બનાવો બનતા ગ્રામજનોમાં પોલીસ તંત્રની કામગીરી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે અધૂરામાં પૂરું ગત મોડી રાત્રિના બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ વીરનગર ગામે આવેલ મહાદેવ ઓઈલ મિલ અને નીલકંઠ ઓઈલ મિલને નિશાન બનાવી હતી. જેમાં બન્ને અજાણ્યા તસ્કરોએ ઓઈલ મિલના શટર તોડી અંદર પ્રવેશી રૂ.1.30 લાખની રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અગાઉ સ્મશાનનો ખાટલો ચોરાયો હતો. ચોરીના બનાવ વધતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ચોરીનો ભેદ ઉકેલવામાં ન આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી
વીરનગર ગામમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, છતાં આટકોટ પોલીસ દ્વારા એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો ન હોવાથી ગ્રામજનો દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તકે ચૂંટણી પહેલા જો ચોરીને અંજામ આપનારા અજાણ્યા તસ્કરોને પોલીસ દ્વારા પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં નહીં આવે તો ગામના તમામ મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જો કે આ ચોરીના બનાવમાં હાલ આટકોટ પોલીસે સીસીટીવી ફૂટેજને કબ્જે કરી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઓઈલ મીલના સીસીટીવીમાં તસ્કરો કેદ થયા.
ઓઈલ મીલના સીસીટીવીમાં તસ્કરો કેદ થયા.

આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે
જસદણ તાલુકાના વીરનગર ગામે છેલ્લા 2 મહિનામાં 6 ચોરીના બનાવો બની ચુક્યા છે. જો કે આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં છાશવારે ચોરીના બનાવો બની રહ્યા હોવાથી સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ગામમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આજદિન સુધીમાં એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી.

દિવસેને દિવસે ચોરીના બનાવો વધતા ગ્રામજનોમાં રોષ.
દિવસેને દિવસે ચોરીના બનાવો વધતા ગ્રામજનોમાં રોષ.

થોડાક દિવસ પહેલા સ્મશાનનો ખાટલો ચોરાયો હતો
આ અંગે ગામના જાગૃત આગેવાન જગદીશભાઈ રવજીભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર અમારું વીરનગર ગામ આવેલું છે. આ ગામમાં મોટી આંખની હોસ્પિટલ પણ આવેલી છે. ત્યારે આ ગામમાં છાશવારે બનતા ચોરીના બનાવોથી ગામના લોકો ભારે પરેશાન થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ ગામમાં સ્મશાનનો લોખંડનો ખાટલો ચોરાઈ ગયો હતો.

સર્કલમાં મીલના ટેબલના ખાનામાંથી રૂપિયાની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ.
સર્કલમાં મીલના ટેબલના ખાનામાંથી રૂપિયાની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ.

પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે
જગદીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં ડિવાઈડર પરનું લોખંડનું ઢાંકણું કે પછી ઓઈલ મીલ હોય કે પછી સ્થાનિક રહીશોના ઘર હોય. તમામ જગ્યાએ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. પરંતુ સ્થાનિક પોલીસ જાણે મૂક પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોઈ રહી હોય તે રીતનો ઘાટ જોવા મળી રહ્યો છે. આ ગામમાં જાણે કે પોલીસે ચોરોને છૂટો દોર આપ્યો હોય તે રીતે ચોરી થઈ રહી છે.

શટર ઉંચકાવી તસ્કરો અંદર ઘૂસ્યા હતા.
શટર ઉંચકાવી તસ્કરો અંદર ઘૂસ્યા હતા.

રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગની માગ
જદગીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગામમાં અવારનવાર થતી ચોરીઓથી ગામ લોકોમાં પોલીસ અને પ્રશાસન સામે રોષ ફાટી નીકળ્યો છે. જેથી અમે ગામ લોકોએ નક્કી કર્યું છે કે જો ચૂંટણી પહેલા આ ચોરોને પોલીસ દ્વારા પકડવામાં નહીં આવે તો અમે બધા આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું. ગામ લોકો દ્વારા આ ચોરોને પકડવાની માંગ સાથે અહીં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવાની માગ કરવામાં આવી રહી છે.

ગામના આગેવાન જગદીશભાઈ વઘાસિયાએ રોષ ઠાલવ્યો.
ગામના આગેવાન જગદીશભાઈ વઘાસિયાએ રોષ ઠાલવ્યો.

(દિપક રવિયા, કરશન બામટા- જસદણ)

અન્ય સમાચારો પણ છે...