જામનગર રોડ, મોરબી હાઉસ પાસે તોપખાનામાં રહેતા પ્રવીણભાઇ દેવજીભાઇ ગોરી નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. દરમિયાન પરસાણાનગરમાં રહેતા ભાણેજનું અવસાન થયું હોય ગત તા.27 અને તા.28ના રોજ ઘર બંધ કરી લૌકિકક્રિયામાં ગયા હતા.
ત્યારે તસ્કરોએ મકાનની અગાશીનું ઢાંકણું ખોલી ઘરમાં નીચે પ્રવેશ કર્યો હતો. બાદમાં બારીના લોક તોડી ઘરમાં ઘૂસી અંદર કબાટમાં રાખેલા રોકડા તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.1.17 લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા. ચોરીના બનાવમાં જાણભેદુ હોવાની શંકાએ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ નહિ મળતા અંતે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસી તસ્કરનું પગેરું દબાવવા દોડધામ શરૂ કરી છે.
અન્ય બનાવમાં કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસેના વેલનાથપરામાં 12 વર્ષના બાળક પર હુમલો થતાં ઘવાયેલા બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેલનાથપરામાં રહેતો પાર્થ મિલનપુરી ગોસ્વામી (ઉ.વ.12) સોમવારે રાત્રે એકાદ વાગ્યે તેના ઘર નજીક તેના પિતા સહિતના લોકો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા બે શખ્સ તેના ઘર પાસે આવીને ગાળો બોલતા હોય મિલનપુરીએ દૂર જવાનું કહેતા બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને પાર્થને ધોકાનો ઘા ઝીંકી બંને નાસી ગયા હતા. ઘવાયેલા બાળકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.