શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવનાર તસ્કર ટોળકીએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવી 63 હજારની મતાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ભાવનગર રોડ, ચુનારાવાડ-5માં રહેતા જગદીશભાઇ ભરતભાઇ ગારૈયા નામના યુવાને થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જગદીશભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત તા.5ની રાતે દસ વાગ્યે મકાન બંધ કરી પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા. દ્વારકા દર્શન કરી તા.7ની વહેલી સવારે પરત રાજકોટ આવ્યા હતા.
ત્યારે બંધ મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. જેથી ઘરમાં જઇ તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. તેમજ કબાટ પણ ખુલ્લો જોવા મળ્યો હતો. કબાટમાં તપાસ કરતા અંદર રાખેલા રોકડા રૂ.10 હજાર અને રૂ.52,990ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.62,990ની માલમતા ગાયબ હતી. મકાનમાં ચોરી થઇ હોવાનું માલૂમ પડતા થોરાળા પોલીસમથકમાં જાણ કરી હતી. જેથી પીએસઆઇ જી.એસ.ગઢવી સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને યુવાનની ફરિયાદ નોંધી તસ્કરનું પગેરું દબાવવા ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટના નિષ્ણાતની મદદ લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.