તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Theft Of 46 Thousand In The Shop, The Police Took The Application, The Crime Was Not Registered Even After 6 Months, The Complainant Is Pushing As If He Is A Criminal

CPની નવી નીતિનો વેપારી ભોગ બન્યા:દુકાનમાં 46 હજારની ચોરી, પોલીસે અરજી લીધી, 6 મહિના થવા છતાં ગુનો ન નોંધાયો, ફરિયાદી ગુનેગાર હોય તેમ ધક્કા ખાઈ રહ્યા છે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો આંક નીચો બતાવવા માટે ગુનેગારો પર સખ્તાઇ દાખવવાને બદલે પોલીસ કમિશનરે નવી નીતિ અખત્યાર કરી છે, ગુનાઓ સતત બનતા રહે છે, ભોગ બનનાર પોલીસ મથકે ધક્કા ખાય છે પરંતુ પોલીસ ફરિયાદ લેતી નથી અને ગુનાનો આંક નીચો દેખાય છે. પોલીસ કમિશનરની આ નવી નીતિનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યાજ્ઞિક રોડ પર આવેલી દુકાનના તાળાં તોડી તસ્કરો રૂ. 46 હજાર રોકડા ઉઠાવી ગયા હતા, પોલીસે માત્ર અરજી લઇ મામલાને થાળે પાડી દીધો હતો, છ મહિના વિતવા છતાં પોલીસે વેપારીની ફરિયાદ નોંધી નહોતી.

શહેરના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ ડેરીની સામે લક્ષ્મણઝૂલા શેરીમાં ખાખરા અને પાપડનો વેપાર કરતાં હર્ષદભાઇ જયસુખલાલ મહેતાએ જણાવ્યું હતું કે, ગત તા. 22 ફેબ્રુઆરીના પોતે બહાર ગયા હતા ત્યારે તેમની દુકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને ચાર દિવસના વેપારના રૂ. 46 હજાર ગલ્લામાંથી ઉઠાવી ગયા હતા. તા.23ના વેપારી હર્ષદભાઇ ચોરીની ઘટનાની જાણ કરવા પ્ર.નગર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. રૂ.46 હજારની ચોરીની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ડોળ કર્યો હતો, જોકે ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લીધી હતી.

છ છ મહિના વીતી જવા છતાં પોલીસે વેપારી હર્ષદભાઇની ફરિયાદ નોંધી નથી. દુકાનના તાળાં તોડી તસ્કરો ચોરી કરી જાય તેવી ગંભીર ઘટનામાં પણ પોલીસ ફરિયાદ ન નોંધીને ગુનેગારોને પ્રોત્સાહન આપી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. સોની વેપારીનું 500 ગ્રામ સોનુ ઓળવી જવાના કેસમાં પણ ફરિયાદીએ કોર્ટનું શરણું લીધા બાદ અદાલતના આદેશથી પોલીસને ગુનો નોંધવો પડ્યો હતો.

સુરતમાં છેતરપિંડીની ફરિયાદ ન લેનાર PI સામે ગુનો નોંધવાનો કોર્ટે આદેશ કર્યો હતો
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ સમક્ષ 28 સપ્ટેમ્બર 2020ના જયદીપભાઇ છગનભાઇ નાથાણીએ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળની ફરિયાદ આપી હતી, પીઆઇ પટેલે જેતે સમયે ફરિયાદ નોંધવાને બદલે અરજી લીધી હતી, કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પીઆઇએ ફરિયાદ નહી નોંધી અરજી ફાઇલે કરી દીધી હતી, આ અંગે ફરિયાદી જયદીપભાઇએ કોર્ટનું શરણું લીધું હતું, કોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને કહ્યું હતું કે, જ્યારે પણ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ કરવા કોઇ વ્યક્તિ આવેલ હોય તે સંજોગોમાં સીઆરપીસી કલમ 154 મુજબ એફઆઇઆર નોંધવી ફરજિયાત છે અને પ્રિલિમરી ઇન્કવાયરી કરવી એ ગ્રાહ્ય રાખી શકાય નહી. પીઆઇ સરથાણાએ સિધ્ધાંત મુજબ કાર્યવાહી કરી નહીં હોવાથી તેની વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ 166 (ક) મુજબ કાર્યવાહી કરવી અને આ અંગે ડીસીપી કક્ષાએ તપાસનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...