શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવતી તસ્કર ટોળકીએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. 27 કલાક બંધ મકાનના તાળાં તોડી ત્રણ લાખની માલમતાનો તસ્કરો હાથફેરો કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અયોધ્યા ચોક, વ્રજ બંગ્લોઝમાં રહેતા અને આકાશવાણીમાં આસિ.એન્જિનિયર તરીકે નોકરી કરતા વૈભવ હિરાલાલ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દાદી નવા થોરાળામાં રહેતા હોય ગત તા.5ની સાંજે સાડા પાંચ વાગ્યે મકાન બંધ કરી પરિવારજનો સાથે ત્યાં ગયા હતા.
80 વર્ષીય દાદી એકલા રહેતા હોય પરિવારજનો સાથે ત્યા રાત્રી રોકાણ કર્યું હતું અને તા.6ની રાતે સાડા આઠ વાગ્યે પરત ઘરે આવ્યા હતા. ઘરે પહોંચતા બંધ મકાનના તાળાં તૂટેલા નજરે પડતા પાડોશમાં જ રહેતા કૌટુંબિક પરિવારજનોને બનાવની વાત કરી હતી. જેથી તેઓ પણ દોડી આવ્યા બાદ ઘરમાં તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ નજરે પડી પડી હતી.
બેડરૂમમાં રહેલો કબાટ ખુલ્લો હોય તેમા તપાસ કરતા અંદર રાખેલા રૂ.3,03,700ના કિંમતના સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ.5 હજાર મળી કુલ રૂ.3,08,700ની મતા જોવા મળી ન હતી. બંધ મકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડયા બાદ તુરંત યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી હતી. જેથી પીએસઆઇ એમ.આર.ઝાલા સહિતનો કાફલો દોડી આવ્યો અને ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટના નિષ્ણાતની મદદથી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.