તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:રાજ્યના થિયેટર-માલિકોની કપરી સ્થિતિ, 2 વર્ષમાં અંદાજે રૂ.3 હજાર કરોડનું નુકસાન, માલિકોની માગ- સરકાર છેલ્લાં બે વર્ષના GST માફ કરે

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • થિયેટર ખોલવા સરકારે તો છૂટ આપી, પણ રાજકોટમાં માત્ર 1થી 2 થિયેટર ખૂલશે
  • ગેલેક્સી, આઇનોક્સ ખૂલવાની શક્યતા

દેશભરમાં કોરોના મહામારીને કારણે છેલ્લાં 2 વર્ષથી સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સ થિયેટરના માલિકો નુકસાન ભોગવી રહ્યા છે. ત્યારે હવે મિની લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા મલ્ટિપ્લેક્સ થિયેટર્સ પણ શરૂ કરવાની પરવાનગી આપી છે. ગાઈડલાઈન્સ અનુસાર, સિનેમાં હોલ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. હાલ થિયેટર શરૂ કરવા સરકારે તો છૂટ આપી છે, પરંતુ થિયેટરના માલિકો થિયેટર શરૂ કરવા તૈયાર થતા નથી. આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ અજય બગડાઈએ જણાવ્યું હતું કે બે વર્ષમાં 2 હજારથી 3 હજાર કરોડનું નુકસાન થયું છે. અમારી સરકારને બે વર્ષના GSTમાંથી મુક્તિ આપવાની માગ છે.

ગુજરાતમાં મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખએ વધુમાં કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 2 વર્ષમાં અંદાજે રૂ.2થી 3 હજાર કરોડનું નુકસાન થયું છે અને અમે આમ જ નુકસાન ભોગવી રહ્યા છીએ. નફો થતો નથી, જેનાથી મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે. હાલ મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ એ અંગે અસમંજસ છે. હાલ જૂનાં મૂવી બતાવવા પડે એવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ રવિવારે તો કોઈ થિયેટર શરૂ થવાનું નથી અને થશે તો એ પણ જુલાઈના પહેલા- બીજા વીકથી.

અજય બગડાઈ ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ.
અજય બગડાઈ ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ.

વીજબિલમાં મુક્તિની જાહેરાત પણ અમલવારી નહીં
અજયભાઇ બગડાઈએ વધુમાં જણાવ્યું હતું કે હાલ અક્ષય કુમારના 'બેલ બોટમ' ફિલ્મની રિલીઝ ડેટ 27 જુલાઈ જાહેરાત થઈ છે. એ રિલીઝ થશે ત્યારે થિયેટર શરૂ થવાની શક્યતા છે. સરકાર દ્વારા મલ્ટિપ્લેક્ષને વીજબિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય એનો જ ચાર્જ વસૂલ કરવાની જાહેરાત કરી છે. એને ઘણો સમય થયો, પણ હજુ એનો હજુ અમલ થયો નથી. એનો અમલ થવો અમારે માટે જરૂરી છે.

નુકસાનના વળતરની અમારી માગણી પણ પેન્ડિંગ છે
ગેલેક્સી ટોકિઝના માલિક રશ્મિભાઈ પટેલે જણાવ્યું હતું કે હમણાં થિયેટર ખોલવામાં આવશે નહીં. હાલમાં તો મલ્ટિપ્લેકસ ખોલ્યા બાદ જૂનાં મૂવી બતાવવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી પ્રેક્ષકો જૂનાં મૂવી જોવા માટે આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. સરકાર પાસે કોરોના અંતર્ગત અમને થયેલા નુકસાનના વળતરની અમારી માગણી પણ પેન્ડિંગ છે. ખાસ તો અમારી સરકાર પાસે માગ છે કે GSTમાંથી અમને રાહત આપે

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

કેવા નિયમોનું પાલન કરવું પડશે ?

  • કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
  • કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
  • 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય.
  • એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
  • ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.
  • બાકીની સીટ પર નોટ ટુ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
  • કન્ટેન્મેન્ટ ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.

થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત
SOP અનુસાર, સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડીગ્રી પર રાખવું પડશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. પેકેટ્સ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ મલ્ટિપ્લેકસ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં ટિકિટ માટે વધારે વિન્ડો ખોલવી પડશે. થિયેટર-માલિકાએ દરેક શો બાદ એની સફાઈ કરવી પડશે. એના માટે સ્ટાફના યોગ્ય PPE કિટ અને બૂટ ઉપલબ્ધ કરાવવા પડશે. થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયગો કરવો ફરજિયાત રહેશે.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.