મવડીના ઓમનગરમાં રહેતા યુવકે લોનના હપ્તા ચડત થઇ જતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, તેમજ સરધારના લોધિડામાં 80 વર્ષના વૃદ્ધાએ અગ્નિ સ્નાન કરી લેતા તે હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતા.
મવડીના ઓમનગરમાં રહેતા ચેતન પ્રમોદભાઇ પાઠકે (ઉ.વ.38) ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને બે બહેનમાં નાનો ચેતન પ્રાઇવેટ નોકરી કરે છે, અને તેને સંતાનમાં બે પુત્ર છે, બેંક લોન અને ક્રેડિટ કાર્ડ લોન ચડત થઇ ગયા હતા અને તેની ઉઘરાણી શરૂ થતાં હાલમાં પૈસાની વ્યવસ્થા નહીં હોવાથી તેની ચિંતામાં પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
સરધારના લોધિડામાં રહેતા લાભુબેન જસમતભાઇ નાગડુકિયા (ઉ.વ.80)એ પોતાના ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી, ગંભીર રીતે દાઝી ગયેલા લાભુબેનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધાએ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
યુવતીના સ્કૂટરમાં તોડફોડ કરી પાડોશી શખ્સે ધમકી દીધી
શહેરમાં વધુ એક અસામાજિક તત્ત્વએ તોડફોડ કરી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુનિવર્સિટી રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતી મોનિકાબેન અજિતભાઇ બારડ નામની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા નરેન્દ્ર હરેશ કુબાવત નામના શખ્સનું નામ આપ્યું છે. મંગળવારે પિતા, બહેન સાથે ઘરે હતી. ત્યારે સાંજના સમયે પાડોશમાં રહેતો નરેન્દ્ર કુબાવત ઘર નીચે રાખેલા પોતાના ટુ વ્હિલ પર કુહાડીના ઘા મારતો જોવા મળ્યો હતો.
જેથી તુરંત નીચે ઉતરી તેને શા માટે તોડફોડ કરે છે તેવું પૂછતા વધુ ઉશ્કેરાય ગયો હતો અને બધાને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે બહેને પોલીસને જાણ કરતા તુરંત દોડી આવી હતી અને નરેન્દ્ર કુબાવતને કુહાડી સાથે સકંજામાં લીધો હતો. યુનિવર્સિટી પોલીસે યુવતીની ફરિયાદ નોંધી આરોપી નરેન્દ્ર કુબાવતને કાયદાનું ભાન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.