રાજકોટમાં અકસ્માતે ફાંસો લાગ્યો:બહેનોને આપઘાત કેમ થાય તે દેખાડવા તરુણીએ ફાંસો લગાવ્યો, નીચે રાખેલું વાસણ ખસી જતાં મોત

રાજકોટ20 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • રણછોડનગર, કોલ્ડકોઇન એપાર્ટમેન્ટના ચોકીદારની પુત્રીનું મોત
  • પોલીસને શંકા જતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું : અકસ્માતે ફાંસો લાગ્યાનો રિપોર્ટ

શહેરમાં વધી રહેલા આપઘાતના બનાવોને પગલે બાળકોમાં પણ અસર જોવા મળી રહી છે. જેને કારણે કુમળા માનસના બાળકો સામાન્ય બાબતોથી આપઘાતનો માર્ગ અપનાવતા અચકાતા નથી. ત્યારે એક વિચિત્ર આપઘાતના બનાવમાં 11 વર્ષની તરુણીનું ફાંસો લાગી જવાથી મોત નીપજ્યું છે. ગળાફાંસો આવી રીતે ખવાય તેવું બતાવતી વેળાએ તરુણીને સાચે જ ફાંસો લાગી જતા તે મોતને ભેટી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા કોલ્ડકોઇન એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં તરુણીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો શનિવારે સાંજે 108ને મેસેજ મળતા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઇ હતી. 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમે તુરંત બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા પીઆઇ એમ.બી.ઔસુરા સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ સ્થળે એપાર્ટમેન્ટના ચોકીદારની રૂમ પાસે તરુણીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પૂછપરછમાં મોતને ભેટેલી તરુણી 11 વર્ષીય સમીક્ષા નરેશસિંઘ લોહાર હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક બાળકીના પિતા નરેશસિંઘની પૂછપરછમાં જણાવ્યું કે, તે મૂળ નેપાળનો છે અને એક વર્ષ પહેલા પત્ની, ત્રણ પુત્રી સાથે પેટિયું રળવા રાજકોટ આવ્યો છે અને આ એપાર્ટમેન્ટમાં જ એક રૂમમાં રહીને ચોકીદારી કરે છે. દરમિયાન ગઇકાલે પોતે અને પત્ની બંને બહાર હોય તેવા સમયે ઘટના બની હતી. ગઇકાલે મોટી પુત્રી સમીક્ષા અને તેનાથી નાની બે બહેનો ઘરે એકલી હતી. તે સમયે ત્રણેય મરવાની વાતો કરતા હતા. ત્યારે સમીક્ષાએ જો આવી રીતે ફાંસો ખાઇને મરી જવાય તેમ કહી રૂમ પાસેના એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ રાખી તેના પર ઊભી રહી સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને સાચે જ ફાંસો લાગી જતા તે લટકી ગઇ હોવાનું અને તેને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું મૃતકના પિતા નરેશસિંઘે પોલીસને જણાવ્યું છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ પ્રારંભે બનાવ શંકાસ્પદ જણાતા મૃતકના માતા-પિતા તેમજ મૃતકની નાની બહેનોની સમજપૂર્વક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. બીજી તરફ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પણ અકસ્માતે ફાંસો લાગી જવાથી મોત નીપજ્યું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે તરૂણીના પરિવારજનો તેમજ નાની બહેનોના નિવેદનો લીધા હતા અને સમગ્ર બનાવ અકસ્માત હોવાનું જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...