અધધ:40%ના વ્યાજે 80 હજાર લેનાર યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી ટ્રક પડાવી લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડીનો વ્યાજખોર ફરાર, ટ્રક પડાવી જનાર ત્રણેય શખ્સને પોલીસે ટ્રક સાથે પકડી પાડ્યા

કાયદાની ઐસીતૈસી કરતા વ્યાજખોરો સામે પોલીસ તંત્રના આંખ મિચામણાંને કારણે બેફામ બન્યા છે. તોતિંગ વ્યાજે નાણાં આપ્યા બાદ વધુ નાણાં પડાવવા ધાક-ધમકી, હુમલો કરવાના તેમજ કિંમતી વસ્તુઓ વ્યાજખોરો પડાવી લેતા હોવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક યુવાને લીંબડીના વ્યાજખોર પાસેથી અધધ....40 ટકાના વ્યાજે નાણાં લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી વચ્ચે પડેલા ત્રણ શખ્સની મદદથી યુવાનની ટ્રક પડાવી લીધી છે. કમાવવાનું એક માત્ર સાધન એવી ટ્રક પડાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

માલિયાસણ ગામે રહેતા મૂળ વઢવાણ પંથકના રાજેશ ભીખાભાઇ આકરિયા નામના યુવાને લીંબડીના વ્યાજખોર ભાવેશ ભરવાડ તેમજ લીંબડીના જ અલ્પેશ વલ્લભ પરસાણા, મિતલ જગદીશ નગેવાડિયા, ભાવિન રાજુ પંચાસરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ઘરની ટ્રક ચલાવી પત્ની, ચાર સંતાનોનું ગુજરાન ચલાવતા રાજેશભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની માલિકીની ટ્રકના હપ્તા ભરવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા પાંચ મહિના પહેલા વ્યાજખોર ભાવેશ પાસેથી રૂ.30 હજાર અઠવાડિયાના 3 હજારના વ્યાજ લેખે નાણાં લીધા હતા.

જે નાણાં લેતી વખતે અલ્પેશ, મિતલ અને ભાવિને પોતે નાણાં ચૂકવી આપશેની જવાબદારી લીધી હતી. બાદમાં વધુ નાણાંની જરૂરિયાત ઊભી થતા ફરી એક વખત રૂ.50 હજાર અઢવાડિયાના 5 હજારના વ્યાજ લેખે રકમ લીધી હતી. આમ વ્યાજખોર ભાવેશને 40 ટકા વ્યાજ સમયસર ચૂકવતો રહ્યો હતો. દરમિયાન છેલ્લા પંદર દિવસથી ટ્રકની ફેરી નહિ થતા બે અઠવાડિયાથી વ્યાજની રકમ ચડી ગઇ હતી. જેથી વચ્ચે પડેલા અલ્પેશ, મિતલ, ભાવિન પોતાની પાસે આવી રૂ.30 હજારના 65 હજાર અને રૂ.50 હજારના 60 હજાર મળી કુલ રૂ.1.25 લાખની રકમ હવે તારે ચૂકવવાની થાય છે.

જે તાત્કાલિક ચૂકવી આપવાની વાત કરી હતી, પરંતુ હાલ કામધંધો ન હોય પૈસાની સગવડ ન હોવાનું અને થોડો સમય આપવાની વાત કરતા ત્રણેય ઉશ્કેરાય ગયા હતા અને પૈસા નહિ આપે તો તારી ટ્રક ઉપાડી જઇ તને જાનથી મારી નાંખીશુંની ધમકી આપી હતી. દરમિયાન ગત તા.13ના રોજ મોરબીથી ટ્રકમાં સામાન ભરી હૈદરાબાદ જતા પહેલા માલિયાસણ રોકાયો હતો. ત્યારે અલ્પેશ, ભાવિન અને મિતલ પોતાની પાસે આવી તું ભાવેશને પૈસા કેમ નથી આપતો, ભાવેશે અમને તારી ટ્રક લઇ જવા મોકલ્યા છે.

તેમ કહી સામાન ભરેલી ટ્રક પડાવીને લઇ ગયા હતા. બાદમાં ટ્રકમાં જે ટ્રાન્સપોર્ટનો સામાન હતો તે ટ્રાન્સપોર્ટર સાથે ભાવેશ ભરવાડને વાત કરાવતા તેને સવા લાખની રકમ ચૂકવી ટ્રક લઇ જાય તેવી વાત કરી હતી. અંતે વ્યાજખોર ભાવેશ ભરવાડ અને વચ્ચે પડેલા ત્રણેય શખ્સે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી ટ્રક પડાવી નાસી જતા કુવાડવા રોડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂ કરી અલ્પેશ, મિતલ અને ભાવિનને સામાન ભરેલી ટ્રક સાથે પકડી પાડી ધરપકડ કરી છે. જ્યારે વ્યાજખોર ભાવેશ ભૂગર્ભમાં ઉતરી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...