ક્રાઇમ:માતા-પિતા સાથે વખ ઘોળનાર યુવાને દમ તોડ્યો, મૃતદેહ સંભાળવાનો ઇનકાર કર્યો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલાપનગરના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પીધી’તી
  • એકની ધરપકડ, આરોપીઓને ઝડપી લેવાની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા મિલાપનગરમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારના ત્રણ સભ્યએ કરેલા આપઘાતની કોશિશના બનાવમાં ફરિયાદ નોંધાવનાર યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો છે. બનાવને પગલે સોની પરિવારે મૃતકનો મૃતદેહ સંભાળવાનો ઇનકાર કરતા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ અધિકારીએ એક વ્યાજખોરને ઝડપી લીધાની અને અન્ય વ્યાજખોરોને તાત્કાલિક પકડવાની ખાતરી આપતા સોની પરિવારે મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો છે.

મિલાપનગર-2માં રહેતા અને ઝેરોક્સની દુકાન ધરાવતા કીર્તિભાઇ હરકિશનભાઇ ધોળકિયા નામના પ્રૌઢે ધંધાના કામે ચાર વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે રૂપિયા લીધા બાદ સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવવા છતાં વ્યાજખોરો ધાકધમકીઓ દેતા રહેતા હતા. અને ઝેરોક્સની દુકાન લખી આપવા દબાણ કરતા હતા. જેનાથી કંટાળી શનિવારે રાતે કીર્તિભાઇએ પત્ની માધુરી અને પુત્ર ધવલ સાથે પાણીમાં ઝેરી દવા ભેળવી પી લીધી હતી. બાદમાં વેપારી કીર્તિભાઇના ભાઇને ઘરે જતા બનાવની ખબર પડી હતી અને ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યાં કીર્તિભાઇની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની ફરિયાદ પરથી સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોરો સામે મનીલેન્ડ એક્ટ, આઇપીસી 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ વ્યાજખોરોને સકંજામાં લેવા દોડધામ શરૂ કરી છે. ત્યારે રવિવારે પોલીસે જેની ફરિયાદ નોંધી તે ધવલે ચાલુ સારવારમાં દમ તોડી દેતા બનાવમાં વળાંક આવ્યો છે. જ્યારે કીર્તિભાઇ અને તેમના પત્ની માધુરીબેનની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ધવલનું સારવારમાં મોત નીપજ્યાની જાણ થતા મોટી સંખ્યામાં સોની પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. અને મૃતક ધવલનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે હોસ્પિટલ દોડી આવેલા પોલીસ અધિકારીએ ધવલ પપ્પુ મુંધવા નામના વ્યાજખોરને ઝડપી લીધાની અને અન્ય આરોપીઓને તુરંતમાં પકડવાની ખાતરી આપતા મૃતકનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકાર્યો હતો. થોડા સમય પહેલાં જ પરણેલા અને બનાવના બે દિવસ પહેલાં જ પિયર ગયેલી ધવલની પત્નીના હોસ્પિટલમાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...