હુમલો:ભત્રીજી સાથે સંબંધ તોડી નાખ્યાનો ખાર રાખી યુવાન પર હુમલો કરાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસને નંબર આપ્યાનો ખાર રાખી પરિણીતાને 3 શખ્સની ધમકી

શહેરના સંતકબીર રોડ પર યુવાનને માર માર્યાનો અને રાજીવનગરમાં પરિણીતાને ધમકી આપ્યાના બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મુંજકા ચોકડી પાસે રહેતા હરેશભાઇ લાભુભાઇ બોરીચાએ ભીચરી ગામના અજય રાયા હુંબલ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જૂના મકાન પાડવાની મજૂરીનું કામ કરતા હરેશભાઇની ફરિયાદ મુજબ, નવાગામમાં રહેતા મોટાભાઇ અલ્પેશની 21 વર્ષની પુત્રી કૃપાલીએ ભીચરી ગામે રહેતા કૌટુંબિક સગા ભરત વિભાભાઇ હુંબલ સાથે એક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા છે.

જે લગ્ન બાદ મોટાભાઇએ પુત્રી સાથે તેમજ ભરત હુંબલના પરિવાર સાથે સંબંધો તોડી નાખતા બંનેના પરિવાર વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. દરમિયાન પોતે ગત તા.2ની રાતે બાઇક પરથી સંતકબીર રોડ પરથી નીકળતા ભરત હુંબલનો કૌટુંબિક સગા અજય અને તેની સાથેના અજાણ્યા શખ્સે તેને બૂમ પાડી અટકાવ્યો હતો. જેથી પોતે ઊભો રહેતા તારી ભત્રીજીએ અમારા કુટુંબના ભરત સાથે લગ્ન કર્યા તો તારો ભાઇ અલ્પેશ કેમ અમારી સાથે મનદુ:ખ રાખે છે. જેથી આ મુદ્દે ભાઇ સાથે જ વાત કરવાનું કહેતા તે ઉશ્કેરાય જઇ બંને શખ્સે માર માર્યો હતો અને હવે પછી તું તથા તારો ભાઇ મારી નજરે ચડ્યા તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બાદમાં પોતાને મારથી દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં બજરંગવાડી સર્કલ પાસે રાજીવનગર-4માં રહેતા રહીમાબેન હાસમભાઇ કટારિયા નામની પરિણીતાએ અહેમદ, હાર્દિક ઉર્ફે ડુંગરો અને જાવિદ નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોતે ઘર પાસે હતી ત્યારે ત્રણેય શખ્સે ગાળો ભાંડી બે દિવસ પહેલા તમે પોલીસને મારા મોબાઇલ નંબર કેમ આપ્યા હતા, તારા દીકરાને બહાર કાઢ હું મારી નાખું તેમ કહી માથાકૂટ કરી હતી. પરંતુ પોલીસને તુરંત જાણ કરતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

જ્યારે શહેરમાં ઘાતક હથિયારો સાથે હુમલો કરવાના બનાવો વધી રહ્યાં હોય પોલીસ દ્વારા શહેરભરમા શંકાસ્પદ જણાતા શખ્સોની તલાસી લેવાની ઝુંબેશ શરૂ કરી છે. જે ઝુંબેશ દરમિયાન પોલીસને જુદા જુદા વિસ્તારોમા છરી સાથે આંટાફેરા કરતા 7 ને પકડી પાડયા છે. ઝુંબેશ દરમિયાન પોલીસને દારૂ પી નિકળેલાઓને પણ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...