ફરિયાદ:મકાનના ભાગ મુદ્દે યુવાન પર માતા, મામા-મામી સહિતનાએ હુમલો કર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપામાં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતા યુવાને નોંધાવી ફરિયાદ

શહેરના નવા થોરાળા, રામનગર સોસાયટીમાં રહેતા રાહુલ મોહનભાઇ સોલંકી નામના યુવાને તેની માતા લીલાબેન, મામા જયસુખભાઇ જીવાભાઇ પરમાર, મામી ચંપાબેન ઉર્ફે દક્ષાબેન અને પિતરાઇ ભાઇ વિશાલ સામે હુમલો કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાવી છે.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાહુલ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે મનપામાં કોન્ટ્રાક્ટ બેઝથી કચરા ગાડીનું ડ્રાઇવિંગ કામ કરે છે અને પત્ની, સંતાનો સાથે રામનગરમાં ભાડાના મકાનમાં રહું છું. પિતા જૂના મમ્મી સાથે મોરબી રોડ પર રહે છે.

જ્યારે માતા લીલાબેન એકલા નવા થોરાળાના મકાનમાં રહે છે. તે મકાનની પાછળ મામા-મામી રહે છે. દરમિયાન શનિવારે રાતે પોતે માતા લીલાબેન પાસે ગયો હતો અને હું ભાડાના મકાનમાં રહું છું, તું એકલી બે માળના મકાનમાં રહે છે, તો મને અહીં રહેવા દે તો મારે ભાડું ભરવું નહિ તેમ કહ્યું હતું. જેથી માતા લીલાબેને સાથે રહેવાની ના પાડતા પોતાને મકાનમાં ભાગ આપવાની વાત કરી હતી. આ સમયે માતા ઉશ્કેરાય ગયા હતા અને ઝઘડો કર્યો હતો.

માતા સાથે ઝઘડો થતા મકાન પાછળ જ રહેતા મામા જયસુખભાઇ અગાશી પર આવી તું તારી મમ્મી સાથે બોલાચાલી, ઝઘડો ન કર મારા ઘર પાસે આવ. જેથી પોતે બાઇક લઇ મામાના ઘર પાસે ગયા હતા. મામાના ઘરે પહોંચતાં જ મામા, મામી અને પિતરાઇ ભાઇએ ઝઘડો કરી ગાળો ભાંડી હતી. આ સમયે માતા પણ ત્યાં આવી ગયા હતા. ત્યારે મામલો વધુ બિચકતા તને મકાનમાં ભાગ દેવો જ નથી તેમ કહી મામાએ પાઇપથી હુમલો કરી માથામાં ઘા ફટકાર્યો હતો. હુમલામાં માથામાં ઇજા થતા પોતે જમીન પર પટકાયો હતો.

માથામાંથી લોહી નીકળતું હોવા છતાં મામી, પિતરાઇ ભાઇ અને માતાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં મામાએ પણ ફરી પાઇપના ઘા ફટકાર્યા હતા. પોતાના પર હુમલો થતા લત્તાવાસીઓ ભેગા થઇ ગયા હતા. બાદમાં પોતે બેભાન થઇ જતા પોતાને કોઇએ હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએસઆઇ જે.ડી.વસાવા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવી ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...