તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:મારવાડી કોલેજના યુવાને ભાઇ-દાદીના વિયોગમાં જિંદગી ટૂંકાવી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બિલેશ્વર પાસે બુધવારેે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો

શહેરમાં વધી રહેલા આપઘાતના વધુ એક બનાવમાં આશાસ્પદ કોલેજિયને આઠ મહિનામાં ગુમાવેલા ભાઇ-દાદીના વિયોગથી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ બન્યો છે.શહેરની ભાગોળે બિલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી રાજકોટ-સમસ્તીપુર ટ્રેન હેઠળ એક યુવાને પડતું મૂકયાની બિલેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર પ્રમોદકુમાર પ્રસાદે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેથી કંટ્રોલરૂમે તુરંત 108 એમ્બ્યુલન્સ અને કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ દોડી ગયેલી 108ની ટીમે યુવાનનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

બીજી તરફ ઘટનાસ્થળે કુવાડવા રોડ પોલીસમથકના હેડ કોન્સ.જયપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો. પોલીસને મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ તેમજ રેલવે ટ્રેક પાસેથી એક બાઇક મળી આવ્યું હતું. મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા મૃતક યુવાન રમજાન રસુલભાઇ બુઠિયા (ઉ.વ.18) હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મૃતકના પરિવારજનો પણ પોસ્ટમોર્ટમ રૂમે દોડી આવ્યા હતા.રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મૃતકના પિતા રસુલભાઇએ પોલીસને જણાવ્યું કે, તેમને સંતાનમાં બે પુત્ર હતા.

જેમાં રમજાન નાનો હતો અને તે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો. દરમિયાન મોટા પુત્રનું કિડનીની બીમારીને કારણે આઠ મહિના પહેલા મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ પંદર દિવસ પહેલા જ પોતાની માતાનું મૃત્યુ નીપજ્યું હતુ. ભાઇ અને દાદીના મૃત્યુ બાદ રમજાન સતત ગુમસુમ રહ્યાં કરતો હતો અને આજે સવારે બાઇક લઇને ઘરેથી નીકળ્યા બાદ પગલું ભરી લીધું છે. રમજાન ભણવામાં હોશિયાર હતો. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં રમજાનને તેના અભ્યાસ માટે મારવાડી કોલેજમાં પ્રવેશ લેવડાવ્યો હોવાનું પિતા રસુલભાઇએ પોલીસને જણાવ્યું છે. આઠ મહિનામાં બંને પુત્રને ગુમાવતા પરિવારમાં ગમગીની ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...