શાપરમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે ફાંસો ખાઇ લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, આવા જ કારણોસર લોધિકાના ખાંભા ગામના યુવકે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતાના વિયોગમાં ગોંડલની યુવતીએ ઝેરી દવા પી લેતા તે રાજકોટ હોસ્પિટલના બિછાને પહોંચી હતી.
શાપરમાં મંગલમ પોલિમર્સ નામની ફેક્ટરી પાસે રહેતા અને કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના અજય બકુલ ગુપ્તા (ઉ.વ.25)એ પોતાની ઓરડીમાં ફાંસો ખાઇ લીધો હતો, અજયે ફાંસો ખાધો ત્યારે તેની પત્નીની નજર પડી જતાં તેણે દેકારો કરતા પાડોશીઓ દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારી રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અજયના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા, પત્ની સાથે બોલાચાલી થતાં તેણે આપઘાતની કોશિશ કરી હતી.
લોધિકાના ખાંભા ગામે ખેતમજૂરી કરતાં મધ્યપ્રદેશના વતની મુકેશ મંગુ બધેલે (ઉ.વ.30) છોકરાવના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. મુકેશને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમજ ગોંડલમાં વોરા કોટડા રોડ પર આવાસ ક્વાર્ટર્સમાં રહેતી મેરાજ હારૂનભાઇ શાહમદારે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેરાજની માતાનું આઠ મહિના પહેલા બીમારીથી મૃત્યુ થયું હતું. માતાના વિયોગમાં યુવતીએ આપઘાતની કોશિશ કરી હતી.
અન્ય એક બનાવમાં ચોટીલાના પિયાવા ગામમાં રહેતી ભૂમિકા રમેશભાઇ બાવળિયા (ઉ.વ.6) સોમવારે વાડીએ ટ્રેક્ટર પર રમતી હતી ત્યારે પગ લપસતા નીચે પટકાઇ હતી. ટ્રેક્ટર પરથી પટકાતાં ઘવાયેલી ભૂમિકાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.