લોકડાઉન 4:આફ્રિકાથી યુવક મુંબઈ આવી રાજકોટ પહોંચી ગયો, એરપોર્ટ ઓથોરિટીની નજર ચૂકવી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લાઈટ ઉપડી પછી ખબર પડતા રાજકોટ જાણ કરી અને પકડી પાડ્યો: 14 દી’ ક્વોરન્ટાઈન રખાશે

આફ્રિકાના ટાન્ઝાનિયાથી ભારત આવેલા અને મુંબઈ એરપોર્ટ પરથી ઓથોરિટી અને આરોગ્ય વિભાગની ટીમની આંખમાં ધૂળ નાખી યુવક શનિવારે સવારની ફ્લાઈટમાં રાજકોટ પહોંચી જતા એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. શુક્રવારે આફ્રિકાના ટાન્ઝાનિયાથી ફ્લાઈટ મારફત મોહમ્મદ દાનિશ બુખારી નામનો યુવાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. વિદેશથી આવેલો હોવાને કારણે તેને મુંબઈમાં જ 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવાનું હતું, પરંતુ આ યુવાન મુંબઈ એરપોર્ટના સત્તાધીશોની નજર ચૂકવી વહેલી સવારે મુંબઈથી રાજકોટની ફ્લાઈટની ટિકિટ લઈ લીધી હતી. ફ્લાઈટ મુંબઈથી ટેકઓફ થઈ ગયા બાદ આ યુવાન નાસી ગયાની જાણ થતાં જ રાજકોટની ફ્લાઈટના પાઇલટ અને રાજકોટ એરપોર્ટને જાણ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટ શનિવારે રાજકોટ લેન્ડ થતાં જ એરપોર્ટ ઓથોરિટીએ આફ્રિકાના યુવાનને પકડી પાડ્યો હતો અને મેડિકલ તપાસ બાદ એરપોર્ટ નજીકની ખાનગી હોટેલમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયો છે. વિદેશી યુવાને મુંબઈ એરપોર્ટની સાથે સાથે રાજકોટની ફ્લાઈટમાં બેઠેલા 100થી વધુ યાત્રિકોના પણ શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

એરપોર્ટના તંત્રે તાત્કાલિક પોલીસ, આરોગ્ય, કલેક્ટર તંત્રને જાણ કરી હતી, તાબડતોબ ટીમો પહોંચી ગઇ હતી અને આ ટાન્ઝાનિયાથી આવેલ મુસાફર બુખારીને ક્વોરન્ટાઇન કરી તેની પૂછપરછ શરૂ કરાઇ હતી અને મેડિકલ ચેકઅપ કરાયું હતું. વિદેશથી આવેલા મુસાફરના પિતા જૂનાગઢ રહે છે, તેનું સાસરું જામનગર છે અને તે ભરૂચ ક્વોરન્ટાઈન થવાનો હતો. હાલ તેને રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલ હોટેલમાં ક્વોરન્ટાઇન કરી દેવાયો છે, એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ થયું છે, હવે હોટેલ લઇ જવાયા બાદ તેના સેમ્પલ પણ લેવાશે, તેના જૂનાગઢ - જામનગર સગાઓને જાણ કરી દેવાઇ છે. મુંબઇથી શનિવારે કુલ 115 મુસાફર આવ્યા અને 60 મુંબઇ જવા રવાના થયા હતા, આવેલ તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું, કોઇ વાંધાજનક બાબત જણાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...