મગફળીની આવક:યાર્ડમાં 3 કલાકમાં 1.05 લાખ મણ મગફળીની આવક થઇ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણ ચોખ્ખું થતા મગફળી સ્વીકારાઈ

રાજકોટમાં ગત સપ્તાહે વાતાવરણમાં પલટો આવતા અને માવઠાને કારણે ખેડૂતોની જણસી બગડે નહિ તે માટે યાર્ડમાં મગફળીની આવક અટકાવી દેવામાં આવી હતી. રવિવારે વાતાવરણ ચોખ્ખું થતા નવી મગફળીની આવક સ્વીકારવામાં આવી હતી. બપોરે 2 કલાકે વાહનોને પ્રવેશ આપવાનું શરૂ થયું હતું અને સાંજે 5 કલાક સુધી વાહનને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્રણ કલાક દરમિયાન એક લાખ પાંચ હજાર મણ મગફળીની આવક થઇ હતી. અંદાજિત 500 જેટલા ખેડૂતો વાહન ભરીને મગફળી લઈને આવ્યા હતા.

હવે જ્યાં સુધી આ પડતર મગફળીનો નિકાલ નહિ થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહિ. યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર અંદાજિત આ મગફળીનો નિકાલ થતા 5 દિવસ જેટલો સમય લાગશે. નોંધનીય છે કે, ગત સપ્તાહે મગફળી પૂરી થયા બાદ નવી જાહેરાત થાય તે પહેલા જ ખેડૂતો મગફળી લઇને આવ્યા હતા, પરંતુ માવઠાની આગાહી અને વાતાવરણ બદલાતા આ આવક સ્વીકારવામાં આવી નહોતી.

જેને કારણે જે ખેડૂતો વાહન ભરીને આવ્યા હતા તે ખેડૂતોએ પોતાના વાહનો યાર્ડની બહાર જ રાખી દીધા હતા. જેમને રવિવારે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કપાસની રેગ્યુલર આવક થઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...