રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદી માવઠું પડી રહ્યું છે અને હજુ પણ આગામી બે દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કમોસમી વરસાદી પાવઠાના કારણે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ નુકશાન જસદણ તાલુકામાં થયું હોવાનું ખેતીવાડી વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેમાં તાલુકાના 12 જેટલા ગામમાં ખેતરમાં ઉભા પાકને નુક્શાનની ફરિયાદ ખેડૂત દ્વારા ખેતીવાડી વિભાગમાં કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા રવિ પાકને નુકશાની અંગે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની પહોંચી હોવાની સૌથી વધુ ફરિયાદ જસદણ તાલુકામાંથી મળી છે.
10 ગામોની મુલાકાત લીધી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જસદણ તાલુકાના 12 જેટલા ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકમાં વારંવાર નુકસાની પહોંચ્યા હોવાની ફરિયાદ મળી છે. જે અંતર્ગત આજે સવારથી જ સર્વે માટે જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી છે. મેં જાતે રાજકોટ તાલુકાના 10 જેટલા ગામોની મુલાકાત લીધી છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો ખેતીલાયક જમીનમાં 95% પાકની લણણી થઈ ચૂકી છે. જ્યારે કે 5% પાક ખેતરમાં હજુ ઉભો હોવાનું અનુમાન સામે આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં કોઈ મોટો તફાવત જોવા નહીં મળે.
ગુણવત્તામાં ચોક્કસ ઘટાડો થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પરંતુ કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાકની ગુણવત્તામાં ચોક્કસ ઘટાડો નોંધાશે. તો બીજી તરફ પડધરી લોધિકા તેમજ ગોંડલ સહિતના તાલુકામાંથી હજુ સુધી મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોવાની ફરીયાદો સામે નથી આવી.
જીરુંના પાકમાં 5% જેવું નુકશાન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ખેડૂતો શિયાળુ પાકમાં મુખ્યત્વે ધાણા, જીરું, ચણા અને ઘઉંનું વાવેતર કરતા હોય છે. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા ઘઉંના પાકમાં કોઈ નુકશાન થવા પામ્યું નથી પરંતુ ધાણા અને જીરુંના પાકમાં 5% જેવું નુકશાન થયું છે. ગુણવતા ઉપર થોડી અસર જોવા મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ બે દિવસ સુધી કમોસમી વરસાદી માવઠું રાજકોટ સહીત સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસી શકે છે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.