આત્મનિર્ભર:ગૌશાળા ચલાવતા મહિલા ગાયના ગોબરમાંથી દિવાળીના કોડિયા બનાવી બન્યાં આત્મનિર્ભર

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિનાની મહેનતે ગોબર-ગૌમૂત્રમાંથી બનાવ્યા 7 હજાર દીવડાં

આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે. આ દીપાવલીમાં ગાયના ગોબરમાંથી બનેલા દીવડાંની ભારે ડિમાન્ડ જોવા મળી છે. ત્યારે જૂનાગઢના કોયલી ગામમાં ગૌશાળા ચલાવતા ભાવનાબેન ગાયના ગોબરમાંથી દીવડાં બનાવી આત્મનિર્ભર બન્યાં છે. મહિલા પશુપાલકે એક મહિનાની મહેનતે 7 હજાર જેટલા દીવડાંના કોડિયા બનાવ્યાં છે. પવિત્ર ગોબરમાંથી બનેલા આ કોડિયાની અમદાવાદ અને ગાંધીનગર સુધી ડિમાન્ડ જોવા મળી રહી છે.

આ વર્ષે બજારમાં દીવડાંની અનેક વેરાઇટી જોવા મળી રહી છે, પરંતુ આ બજારના કોડિયાઓને છોડી સોરઠની મહિલાએ ગાયના ગોબરમાંથી બનાવેલા ઈકોફ્રેન્ડલી કોડિયાએ ધૂમ મચાવી છે. કામધેનુ ગીર ગૌશાળા ચલાવતા ભાવનાબેન ત્રાંબડિયા આ અનોખા કોડિયા બનાવી આત્મનિર્ભર બન્યાં છે. આ અનોખા દીપક માટેના કોડિયામાં ગોબર ઉપરાંત ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાવનાબેનના જણાવ્યા મુજબ એક મહિનાના અંતે 7 હજાર કોડિયા બનાવવામાં આવ્યાં હતાં. આ માટે રોજ 3 લોકો કામ કરતાં હતાં.

કોડિયાની વિશેષતા એ છે કે, શુદ્ધ ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી કોડિયા બનાવવામાં આવ્યાં હોવાથી તેમાં ઘી ભરવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, દીપક બળી ગયા બાદ તેને કૂંડામાં નાખી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ વર્ષે અમદાવાદ ગાંધીનગરમાં કોડિયાની ભારે માંગ રહી છે.

હવન માટે ગાયના છાણા-અડાયાની માંગ વધી
ગૌશાળા ચલાવી આત્મનિર્ભર બનેલા ભાવનાબેન જણાવે છે કે, ગાયના દૂધ, છાશ, ગૌમૂત્ર અને ગોબરમાંથી બનેલી ચીજવસ્તુઓ તરફ લોકો વધુને વધુ ખેંચાય રહ્યાં છે. ત્યારે આ વર્ષે હવન માટે છાણા અને અડાયાની માંગ વધતાં તે પણ બનાવવામાં આવ્યાં હતાં. શહેરમાં ગાયના ગોબરમાંથી બનેલા છાણાં અને અડાયા મેળવવા મુશ્કેલ હોવાથી માંગ વધી રહી છે.