તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહિલાની લાશ ઇમર્જન્સી વોર્ડમાં મૂકી ત્રણ શખ્સ નાસી ગયા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશ લઇને આવેલી બે મહિલા સહિત ત્રણની શોધખોળ
  • ચાર વર્ષથી પતિથી અલગ રાજકોટમાં કોઇ સ્થળે રહેતી’’તી

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં શનિવારે બપોરે બે મહિલા સહિત ત્રણ શખ્સ 45 વર્ષની એક મહિલાની લાશ મૂકીને નાસી ગયા હતા. મહિલા ચાર વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી, બનાવ આપઘાતનો છે કે અન્ય કંઇ તે બાબત પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે.

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં બપોરે 12 વાગ્યે બે મહિલા અને એક પુરુષ 45 વર્ષની મહિલાને બેભાન હાલતમાં લઇને આવ્યા હતા. ફરજ પરના તબીબે એ મહિલાને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી, તબીબો આ અંગે કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ મૃત મહિલાને લઇને આવનાર બંને મહિલા સહિતની ત્રિપુટી નાસી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફે તપાસ કરી હતી પરંતુ મૃતદેહ લાવનાર લોકોની ભાળ નહીં મળતા પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે હોસ્પિટલે પહોંચી મૃતક મહિલા પાસે રહેલો તેનો મોબાઇલ હાથવગો કરી તેના પર કેટલાક ફોન કરતાં મૃતક મહિલાનું પિયર જસદણ હોવાનું સ્પષ્ટ થયું હતું. રાત્રીના મહિલાના માતા-પિતા સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક મહિલા સોનલ કેશુ કડવાણી (ઉ.વ.45) હોવાનું તેના પિતા સહિતના પરિવારજનોએ કહ્યું હતું.

સોનલ ચારેક વર્ષથી તેના પતિથી અલગ રાજકોટ રહેતી હતી, રાજકોટમાં ક્યા સ્થળે રહેતી હતી તે અંગે તેના પિયરપક્ષના લોકો પણ અજાણ હતા. મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો કે તેનાં મોત પાછળ અન્ય કોઇ બાબત કારણભૂત છે? તેવા સવાલો ઉઠ્યા હતા, રવિવારે ફોરેન્સિક નિષ્ણાતો પોસ્ટમોર્ટમ કરશે ત્યારે મોતનું સાચું કારણ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...