શહેરના મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છાશવારે વિવાદમાં સપડાય છે, વિસેક દિવસથી રાજકોટમાં મૈત્રી કરારથી રહેતા યુગલને પોલીસ સ્ટેશને બોલાવી મારકૂટ કરી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે મૈત્રી કરાર રદ કરાવી યુવતીને પોતાના ઘરે પરત જવા મજબૂર કરી હતી, ઘરેથી ફરીથી ભાગીને પ્રેમી સાથે આવેલી યુવતીએ પોલીસનો ત્રાસ બંધ નહીં થાય તો બંને આપઘાત કરી લેશે તેવી ચીમકી આપતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
શહેરમાં રહેતી ગુંજન નામની યુવતી શુક્રવારે મીડિયા સમક્ષ રજૂ થઇ હતી તેની સાથે તેનો પ્રેમી દીપક ગોહેલ પણ હતો, યુવતીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે,‘ વિસેક દિવસ પૂર્વે મૈત્રી કરાર કરી પોતે દીપક ગોહેલ સાથે રહેવા લાગી હતી, તેના પિયરપક્ષને આ સંબંધ મંજૂર નહીં હોવાથી પોલીસમાં અરજી કરી હતી, ગત તા.17ના પોતે તથા તેના પ્રેમીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવી દીધું હતું, ત્યારબાદ તા.1ના મહિલા પોલીસ મથકે બંનેને બોલાવવામાં આવ્યા હતા, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રેખાબેન, સોનલબેન અને કમલેશભાઇ નામના કર્મચારીઓ ગુંજન અને દીપકને પોલીસ સ્ટેશનની પાછળના ભાગે લઇ ગયા હતા અને ત્યાં મારમારી બળજબરીથી મૈત્રી કરાર રદ કરાવી નાખ્યા હતા.
ગુંજન પ્રેમી સાથે રહેવા ઇચ્છતી હોવા છતાં તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપશે તેમ કહી પરાણે તેના માતા પિતાના ઘરે મોકલી દીધી હતી, તેની સગાઇ કરી નાખવામાં આવી હોય યુવતી ફરીથી ઘરછોડીને પ્રેમી પાસે આવી ગઇ હતી, ગુંજને આક્રોશ સાથે કહ્યું હતું કે, જો તેને પ્રેમી સાથે રહેવા દેવામાં આવશે નહી તો પોતે તથા તેનો પ્રેમી આપઘાત કરી લેશે, અગાઉ દીપકે આક્ષેપ કર્યો હતો કે, યુવતીના ભાઇ પાસેથી પૈસા લઇને મહિલા પોલીસે તેના પર સિતમ ગુજાર્યો હતો.
વધુ એક વખત આક્ષેપ થતાં મહિલા પોલીસના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી.ગુંજન અને તેના પ્રેમી દિપકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહિલા પોલીસ સ્ટેશનનનો સ્ટાફ પૈસા લઇને તેઓને બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશને બોલાવી પરેશાન કરતો હતો. બંને પુખ્તવયના હોય પોતાની મરજીથી સાથે રહેવા ઇચ્છતા હોવા અંગે અનેક વખત રજૂઆત કરવા છતા આ પોલીસ તેમને હેરાન કરતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.