ધરપકડ:લીવ ઇનમાં સાથે રહેતા પ્રેમીની હત્યા કરવા મહિલા સાવકા પુત્રની માનતા પૂરી કરવા ન ગઇ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઠારિયા રોડ પર પ્રેમીની હત્યા કરનાર મહિલા અને તેના સાવકા પુત્રની ધરપકડ કરાઇ
  • પ્રેમી અન્ય મહિલા સાથે મોબાઇલ પર સતત વાત કરતો હોવાથી યુગલ વચ્ચે માથાકૂટ ચાલતી’તી

કોઠારિયા રોડ પરના મારુતિનગરમાં 15 વર્ષથી લીવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતા આધેડને શુક્રવારે સાંજે પ્રેમિકા અને આધેડના સગા પુત્રએ સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આધેડના બીજા પુત્રની માનતા પૂરી કરવા પરિવારના અન્ય સભ્યો જતા હતા ત્યારે આધેડની પ્રેમિકાએ બહાનું કાઢી જવાનું ટાળ્યું હતું અને મોકો મળતા જ સાવકા પુત્ર સાથે મળી આધેડને પતાવી દીધા હતા.

મારુતિનગરમાં રહેતા અને સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરતા રાકેશભાઇ નવીનચંદ્ર અધિયારૂ (ઉ.વ.49)ની તેના જ ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી, એક તબક્કે તો અજાણ્યા ત્રણ શખ્સ ઘરમાં ઘૂસી રાકેશભાઇને સ‌ળગાવીને ભાગી ગયાની સ્ટોરી રાકેશભાઇની પ્રેમિકા અને તેના સગા પુત્ર ભાર્ગવે ઊભી કરી હતી પરંતુ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. હત્યાના બનાવ અંગે રાકેશભાઇના નાનાભાઇ શૈલેષભાઇએ ફરિયાદ નોંધાવી હતી,

શૈલેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાકેશભાઇએ તેમની પત્ની શિલ્પાબેન સાથે 15 વર્ષ પૂર્વે છૂટાછેડા લીધા હતા, લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રની પ્રાપ્તિ થઇ હતી. છૂટાછેડા બાદ રાકેશભાઇ આશા નાનજી ચૌહાણ સાથે લીવ ઇનમાં રહેવા લાગ્યા હતા, તેમની સાથે રાકેશભાઇનો નાનો પુત્ર ભાર્ગવ પણ રહેતો હતો. જ્યારે તેમનો મોટો પુત્ર હાર્દિક દાદી સાથે અન્ય સ્થળે રહેતો હતો.

હાર્દિકને આઠેક મહિનાથી માનસિક બીમારી લાગુ પડી હતી અને તેની માનતા રાખવામાં આવી હતી. શુક્રવારે અધિયારૂ પરિવાર માનતા પૂરી કરવા જવાનો હતો, બપોરે ચારેક વાગ્યે શૈલેષભાઇના પત્ની હીનાબેન આશાને માનતા પૂરી કરવા જવા માટે બોલાવવા ગયા હતા ત્યારે આશાએ ઘરનું થોડું બારણું ખોલીને તેઓને અવાય તેમ નથી તેવું બહાનું કાઢી સાથે ગઇ નહોતી, શૈલેષભાઇ સહિતના પરિવારજનો સાંજે સાતેક વાગ્યે માનતા પૂરી કરી પરત આવતો હતો ત્યારે તેમને ઘટનાની જાણ થઇ હતી.

શૈલેષભાઇએ ફરિયાદમાં કહ્યું હતું કે, રાકેશભાઇને કોઇ અન્ય મહિલા સાથે મિત્રતા કેળવાઇ હતી અને તે તેની સાથે મોબાઇલમાં સતત વાતચીત કરતા હોવાથી આઠેક દિવસથી તે મુદ્દે આશા અને રાકેશભાઇ વચ્ચે બોલાચાલી ચાલતી હતી. શુક્રવારે બપોરે પણ તે મુદ્દે ફરીથી માથાકૂટ થતાં આશાએ તેના સાવકા પુત્ર ભાર્ગવને સાથે રાખી રાકેશભાઇને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આશા સહિત બંનેની ધરપકડ કરી અને વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...