આ વર્ષે માર્ચ માસમાં જ ગરમીનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. મે માસમાં ગરમીનો પારો સતત બે દિવસ સુધી મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ રહ્યું હતું. આ પહેલા 2019માં સૌથી વધુ મહત્તમ તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હવે મહત્તમ તાપમાન વધવાની કોઇ સંભાવના નથી.
સામાન્ય રીતે અત્યાર સુધી ઉત્તર તરફથી સુકા પવનો ફૂંકાતા હતા. તે ક્રમશ: નૈઋત્ય અથવા પશ્ચિમના પવનો થશે. જેને કારણે તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ બફારો વધશે. આ સિવાય બે-ત્રણ દિવસ માટે બપોર પછી પવનની ગતિ તેજ થશે. 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ વધશે અને બફારો વધશે.
15 મેથી 20 મે સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. તેના ભાગરૂપે વાદળો છવાશે. સ્થાનિક વાદળો હશે તેથી કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર સૂર્યના સીધા કિરણો પડવાથી એપ્રિલથી જૂન સુધી ગરમી પડતી હોય છે. અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન 1977 માં 47.9 ડિગ્રી નોંધાયું છે.
શનિવારે સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન અમરેલીમાં 43.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભાવનગરમાં 32.6, ઓખા 33.8, પોરબંદર 34.8, વેરાવળ 33.9, દીવ 32.5, મહુવા 34.6, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી રહ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા નોંધાયું હતું.
બપોરે 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લૂ ફેંકાતી હોય તેવો અનુભવ થયો હતો. આંદામાન- નિકોબારમાં 20- 22 મેમાં વરસાદની શરૂઆત થતી હોય છે. જે આ વર્ષે થોડી વહેલી સંભાવના છે. એવી જ રીતે ચોમાસું 1 જૂને બેસતું હોય તે 27 મે સુધીમાં બેસી જાય તેવું અનુમાન છે.
આ કારણોસર જ્યાં વધુ ગરમી હોય ત્યાં વધુ વરસાદ પડે છે: હવામાન વિભાગ
જ્યારે હીટિંગ હોય એટલે કે ગરમી વધુ પડી હોય છે ત્યારે જે તે વિસ્તારમાં સ્થાનિક લોને હિસાબે હવા ચોમાસા દરમિયાન કેન્દ્રિત થતી હોય એ એિરયામાં વધુ વરસાદ પડવાની સંભાવના હોય છે. વાદળો આસાનીથી બંધાતા હોય છે. આ સિવાય વરસાદ માટે સ્થાનિક સહિતના અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. સામાન્ય રીતે વેધર પેટર્ન 10-20 વર્ષે બદલાતી હોય છે. છેલ્લા 10 વર્ષથી સરેરાશ કરતા વધુ વરસાદ પડે છે.
2019 માં મહત્તમ તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું અને વરસાદ પણ 54.4 ઈંચ સુધી રેકોર્ડબ્રેક પડ્યો
2019માં સૌથી વધુ તાપમાન 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને તે જ વર્ષમાં 54.4 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય 2020માં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી હતું અને તે સમયે 49.21 ઈંચ વરસાદ પડ્યો હતો. 2021 માં મહત્તમ તાપમાન 43.05 ડિગ્રી હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે પણ મહત્તમ તાપમાન ઊંચું રહ્યું હોવાને કારણે વધુ વરસાદ પડવાની સંભાવના વર્તાઈ રહી છે. સામાન્ય રીતે રાજકોટમાં સરેરાશ વરસાદ 25 ઇંચની આસપાસ રહેતો હોય છે. પરંતુ આ વખતે વધુ વરસાદ પડે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
15 દિવસમાં 576 કેસ હીટસ્ટ્રોકના નોંધાયા
મે મહિનામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. અસહ્ય તાપ અને લૂને કારણે હીટસ્ટ્રોકના આવતા કેસમાં વધારો નોંધાયો છે. મે માસમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 576 કેસ નોંધાયા છે. હીટસ્ટ્રોકમાં ચક્કર આવવા, ઝાડા- ઊલટી, છાતીમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો સહિતની ફરિયાદનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.