તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ત્રણ મહિના પૂર્વે પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ઘરકંકાસથી આપઘાત

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની, પુત્રી જતી રહેતા યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આપઘાતના વધુ ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ, પત્ની-પુત્રી છોડીને જતા રહેતા યુવાને અને એકલતાનો અહેસાસ કરતા વૃદ્ધાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. જીવરાજપાર્ક પાસે આવેલા ભારતનગર આવાસ યોજનામાં ગુરુવારે બપોરે નેહા નિલેશભાઇ નામની પરિણીતાએ તેના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની તપાસમાં પરિણીતાનું મોત નીપજ્યાનું જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી.

તાલુકા પોલીસમથકના પીએસઆઇ એ.જી.અંબાસણા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા. મોલમાં નોકરી કરતા મૃતકના પતિ નિલેશભાઇની પૂછપરછ કરતા, તેને ત્રણ મહિના પહેલા જ પરિવારની સહમતીથી નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નેહા બૂટ બનાવતી કંપનીમાં નોકરી કરતી હતી. નેહાનો સ્વભાવ જીદ્દી હોય સામાન્ય બાબતે બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. દરમિયાન આજે પોતે નોકરી પર જતા પાછળથી પત્નીએ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. બીજા બનાવમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા વિજય દલસુખભાઇ સોલંકી નામના યુવાને તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બી ડિવિઝન પોલીસની તપાસમાં વિજયને દારૂ પીવાની ટેવ હતી. જેને કારણે પત્ની સાથે બોલાચાલી થતી રહેતી હોય ચાર દિવસ પહેલા પત્ની અને પુત્રી તેને છોડી સુરત જતા રહ્યાં હતા. પાછળથી વિજયે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જ્યારે ત્રીજા બનાવમાં કોઠારિયા રોડ, નાડોદાનગરમાં રહેતા જાનકીબેન રામજીભાઇ સરાવા નામના વૃદ્ધાએ આજે બપોરે તેમના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. ભક્તિનગર પોલીસના પીએસઆઇ ડી.એ.ધાંધલ્યાની તપાસમાં મૃતકને સંતાનમાં બે દીકરા છે. થોડા દિવસ પહેલા જ મોટા પુત્રને આવાસમાં ક્વાર્ટર લાગ્યું હોય તે તેના પરિવાર સાથે ત્યાં રહેવા ગયો હતો.

બાદમાં મૃતક તેમના પતિ અને અપરિણીત નાના દીકરા સાથે રહેતા હતા. પુત્રના ગયા બાદ વૃદ્ધા એકલવાયું અનુભવતા હોવાને કારણે પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. નજીવી બાબતમાં લોકો પોતાનું સંતુલન ગુમાવી રહ્યા છે. અને સાથોસાથ તેઓની માનસિક સ્થિતિ પણ નબળી પડી રહી છે. રાજકોટ શહેરમાં એકસાથે ત્રણ આપઘાતના બનાવોની ઘટના સામે આવતા અરેરાટી મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...