આત્મહત્યા:પત્ની સીમંત પ્રસંગમાં ગયા અને યુવકે ફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટના કાલાવડ રોડ પરની વૃંદાવન સોસાયટીનો કિસ્સો
  • પત્નીના વિયોગમાં ઝેરી દવા પી યુવકનો આપઘાતનો પ્રયાસ

કાલાવડ રોડ પરની વૃંદાવન સોસાયટીના યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. પત્ની સીમંત પ્રસંગે ગયા હતા અને યુવકે રૂમમાં જઇ અંતિમ પગલું ભરી લીધું હતું. તેમજ અનમોલ પાર્કના યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કાલાવડ રોડ પર રૂડા પાસેની વૃંદાવન સોસાયટીમાં રહેતા અજિતભાઇ મનસુખભાઇ સિસોદિયા (ઉ.વ.36)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એક બહેનના એકના એક ભાઇ અજિતભાઇ ટ્રાવેલ્સ બસનું ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અજિતભાઇના પત્ની અનિતાબેન તેમના ભાઇ ભાભીના ઘરે સીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારે અજિતભાઇએ રૂમમાં જઇ અંતિમ પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સિસોદિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય એક બનાવમાં આજી ડેમ ચોકડી નજીક રહેતા રિક્ષાચાલક કલીમખાન મુસ્તાકખાન પઠાણે (ઉ.વ.33) ઘરની બહાર ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. કલીમખાનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે, પત્નીનું બે વર્ષ બહેલા મૃત્યુ થયું હતું. પત્નીના વિયોગમાં કલીમખાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...