કાર્યવાહી:આગલા ઘરની દીકરીની ચડામણીથી પરિણીતાને ત્રાસ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ સ્થિત પતિ સામે પોલીસ ફરિયાદ

સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવાના વધુ એક બનાવની શહેરના શ્રોફ રોડ, નવી કલેક્ટર કચેરી પાસે રહેતા તૃપ્તિ મહેતા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જૂનાગઢના જોશીપુરામાં રહેતા પતિ ઘનશ્યામ બાબુલાલ મહેતા અને રાજુલા રહેતી સાવકી પુત્રી તૃપ્તિના નામ આપ્યા છે.

ફરિયાદ મુજબ, તેના બીજા લગ્ન ઘનશ્યામ સાથે 2019માં થયા છે. પતિ ઘનશ્યામના પણ બીજા લગ્ન હોય આગલા ઘરની દીકરી તૃપ્તિ છે. જે રાજુલા રહે છે. લગ્ન બાદ થોડા સમય પતિ ઘનશ્યામે સરખી રીતે રાખ્યા બાદ પોતાને ઘરકામ સહિતના મુદ્દે યેનકેન પ્રકારે મેણાં મારતા હતા. તેમજ તું સારી રસોઇ બનાવતી નથી તેમ કહી ઝઘડો કરતા હતા. એટલું જ નહિ પતિ ઘનશ્યામ પોતાના પર હાથ ઉપાડી માર પણ મારતા રહેતા હતા. તેમ છતાં પતિ ઘનશ્યામનો ત્રાસ સહન કર્યો હતો. પતિના ત્રાસ વચ્ચે રાજુલા રહેતી પતિ ઘનશ્યામના આગલા ઘરની દીકરી તૃપ્તિ પતિને ફોન કરી પોતાના વિરુદ્ધ ચડામણી કરતી રહેતી હતી. જે ફોન બાદ પતિ ઘનશ્યામ ઝઘડો કરી માર મારતા હતા.

લગ્ન બાદ અઢી વર્ષ સુધી પતિ અને તેના આગલા ઘરની દીકરીનો ત્રાસ સહન કર્યો હતો. અંતે કંટાળીને પોતે જૂનાગઢથી રાજકોટ ગત નવેમ્બર મહિનામાં માવતરે રહેવા આવી ગઇ હતી. સમાધાનના પ્રયાસો પણ કરવા છતાં પતિ સમાધાન કરવા તૈયાર ન હોય અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...