રાજકોટના નવાગામ-આણંદપર વચ્ચેનો મેઈન રોડ બનાવવા મામલે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. મેઈન રોડ 24 મીટર પહોળો પાસ થયો હોવા છતાં માત્ર 15 મીટર બનાવવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. રોડ પર ઉદ્યોગોની કપાત થતી હોવાથી રોડ સાંકડો કરવામાં આવતો હોવોનું સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે. તેમજ નવા બનતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ ખુદ મેજરટેપથી રોડ માપી તંત્રની પોલ છતી કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાં 5 વર્ષ પહેલા આ વિસ્તારને વોર્ડ નં.6માં ભેળવવામાં આવ્યો હતો.
24 મીટરનો રસ્તો પોણા ચાર કરોડના ખર્ચે બનાવવાનું ટેન્ડર પાસ થયુ હતું: સ્થાનિક
સ્થાનિક નારણભાઇ કુવાડિયાએ જણાવ્યું હતું કે, આણંદપરમાં શક્તિ સોસાયટીમાં રહું છું, હાલ આણંદપર-નવાગામ વચ્ચે રસ્તો બની રહ્યો છે. આ રસ્તા માટે અમે વર્ષોથી રજુઆત કરતા આવીએ છીએ. આંદોલન અને અનેક આવેદનપત્રો આપ્યા. આનંદના સમાચાર એ છે કે, અમારો રસ્તો પાસ થઇ ગયો. પરંતુ 24 મીટરનો રસ્તો પોણા ચાર કરોડના ખર્ચે બનાવવાનું ટેન્ડર પાસ થયુ હતું તે અખબારોમાં પણ આવી ગયું હતું. પરંતુ હાલમાં 24 મીટરનો રસ્તો 15 મીટર પહોળો જ બની રહ્યો છે. આથી અમારે ખુલાસો જોઇએ છે કે, પાસ થયેલો રસ્તો સાંકડો શું કામ બનાવવામાં આવે છે.
સ્થાનિકે ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારી
કુરૂભાઇ આહિરે જણાવ્યું હતું કે, રાજકોટના આણંદપર-નવાગામ વચ્ચે શક્તિ સોસાયટીની પાસે જે મેઈન રોડ બની રહ્યો છે. આ રોડ 24 મીટર પહોળાઇનો પાસ થયો છે. પરંતુ હાલ 15 મીટરનો રોડ બની રહ્યો છે. અમને સમજાતું નથી કે, ક્યાં કારણોસર રોડની પહોળાઇ ઘટાડવામાં આવી રહી છે. અમે 80 ફૂટના રોડની માગણી કરી ત્યારે 24 મીટરનો રોડની મંજૂરી આપતા રાજી હતા. કોઈ કારણોસર રાજકીય પ્રેશર કે આગળ ઉદ્યોગોમાં ડિમોલિશન આવે છે તે ન કરવાના હેતુથી 15 મીટરનો રસ્તો બનાવાતો હોવાનો અમે વિરોધ કરી રહ્યાં છીએ. ખાસ કરીને અમે ટેપ માપી તો 15 મીટર પહોળાઈ થઈ. અમે મ્યુનિ.કમિશનર પાસે રજુઆત કરવા જઇશું. જો આનું નિરાકરણ નહીં આવે તો અમે ભૂખ હડતાળ અને આંદોન કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.