• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Wheels Of ST Buses Will Stop From Midnight Today, 2300 Workers Of Rajkot Will Go On Strike, Protested With Bells At Bus Port

તહેવાર પર એસટી બંધ:આજે મધરાતથી એસટી બસના પૈડા થંભી જશે, રાજકોટના 2300 કર્મીઓ હડતાલ પર ઉતરશે, બસ પોર્ટ ખાતે ઘંટનાદ સાથે વિરોધ કર્યો

રાજકોટએક મહિનો પહેલા
કર્મચારીઓએ ચીમકી આપતાં કહ્યું કે, યોગ્ય નિર્ણય નહી લેવાય તો બસ ચલાવવામાં આવશે નહી.
  • હડતાલના કારણે તહેવાર સમયે જ એસટીને આર્થિક નુકશાન જશે

ગુજરાત રાજ્ય એસટી નિગમના 45 હજાર કર્મચારીઓનાં પડતર પ્રશ્ર્નો અંગે છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી ચાલી રહેલી કર્મચારીઓની લડત નિર્ણાયક તબક્કે આવી ગઇ છે અને એસટી કર્મચારીઓનાં ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા આજે મધરાતે 12 વાગ્યાથતી 8 હજાર બસોના પૈડા થંભાવી દેવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટના ડ્રાઇવર કંડક્ટર સહિતના 2300 સહિત સૌરાષ્ટ્રના 20 હજાર એસટીકર્મીઓ હડતાલ પર ઉતરશે. આ કાર્યક્રમોનાં ભાગરૂપે રાજકોટ એસટી વિભાગીય કચેરી ખાતે આજરોજ પણ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો દ્વારા શહેરના બસ પોર્ટ ખાતે પડતર પ્રશ્નો સંબંધે ઘંટનાદ સાથે ઉગ્ર સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

રાજકોટ ડિવિઝનની 470 બસના પૈડા થંભી જશે
એસટી કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પૈકી પે-ગ્રેડ, ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વધારો અંગે સરકારનું નરમ વલણ છે પરંતુ મોંઘવારી ભથ્થા મામલે સરકાર અવઢવમાં આવી ગઇ છે. જેમાં ડ્રાઈવર, કન્ડક્ટરને 1900 ગ્રેડ પે, ફિક્સ પે વધારીને 19,500 કરવો અનેમોંઘવારી ભથ્થું 28 ટકા આપવું સહિતની માંગ સાથે રાજકોટ ડિવિઝનની 470 બસના પૈડા થંભી જશે.

પગાર વધારા સાથે લડત ચલાવાઈ રહી છે
પગાર વધારા સાથે લડત ચલાવાઈ રહી છે

સરકાર સામે લડી લેવાના મૂડમાં છે
આ અંગે એસટીના કર્મચારીએ જણાવ્યું હતું કે, આ મામલે અગાઉના સમયમાં વિવિધ બેઠકો કરી હડતાળ પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા કેટલીક માંગો સ્વીકારી કર્મચારી સંઘ હડતાળ સુધી જઈ શક્યો ન હતો. જો કે મૂળભૂત માંગો પર કોઈ નિર્ણય ન લેવાતા આ વખતે એસટી નિગમના વિવિધ ત્રણ જેટલા સંગઠનો એકરૂપ બની રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.

લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડશે
ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે એસટીના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જો કદાચ આજે રાતે 12 વાગ્યાથી એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરે તો એસટી વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન તો થઇ જ શકે છે. આ ઉપરાંત લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. ત્યારે સાંજ સુધીમાં આ મામલે કોઈ નિરાકરણ આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.