તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હથિયાર ચોરી કરનાર કૌશલે સ્ટેટ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેવલોપર્સની ઓફિસમાંથી છ દી’ પૂર્વે ચોરી કરી હતી
  • વધુ તાલીમ લેવા જવાના પૈસા માટે ચોરી કર્યાનું રટણ

શહેરમાં ડેવલોપર્સની ઓફિસમાંથી હથિયાર ચોરી કરનાર યુવાનને પકડી પાડ્યા બાદ તેની પૂછપરછમાં આજી ડેમ પોલીસ પણ ચોંકી જાય તેવી વિગતો બહાર આવી છે. પકડાયેલા યુવાનની વિશેષ પૂછપરછ કરવા તેને એક દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.

આજી ડેમ પોલીસે બે દિવસ પહેલા પેટ્રોલિંગ દરમિયાન ઢાંઢણી ગામ પાસેથી કારને અટકાવી હતી. તલાશી દરમિયાન ચાલક પાસેથી એક રિવોલ્વર અને છ જીવતા કારતૂસ મળી આવતા તેની અટકાયત કરી હતી. પૂછપરછ કરતા તે મૂળ પડધરીના ખોડાપીપર ગામનો અને હાલ રાજકોટમાં કોઠારિયા રોડ, વિવેકાનંદનગર-2માં રહેતો કૌશલ રમેશભાઇ પીપળિયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે હથિયાર અંગે પૂછપરછ કરતા તેને છ દિવસ પહેલા યાજ્ઞિક રોડ, ડો.હોમી દસ્તુર માર્ગ પર આવેલા વિરલ બિલ્ડિંગના ત્રીજા માળે વિરલ ડેવલોપર્સ નામની ઓફિસમાંથી પરવાનાવાળી રિવોલ્વર અને છ જીવતા કારતૂસ ભરેલી તિજોરીની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી.

આરોપી કૌશલની કબૂલાત બાદ તપાસમાં હથિયાર ચોરાયાની વિગતો મળતા ડેવલોપર્સ ભાવિનભાઇ ભાલોડિયાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ હથિયાર સાથે પકડાયેલા કૌશલની વિશેષ પૂછપરછ કરવા આજી ડેમ પોલીસમથકના પીએસઆઇ એમ.ડી.વાળાએ એક દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં કૌશલ કુસ્તીનો ખેલાડી હોવાનું અને તેને રાજ્યકક્ષાએ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યાની તેમજ તેને ત્રણ વખત રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોવાની વાત જણાવી છે.

છેલ્લા બે વર્ષથી પોતે રમતથી દૂર છે, પરંતુ હવે તેને ગાંધીનગર ખાતે વધુ તાલીમ લેવા જવું હોય પૈસા ન હોવાને કારણે ચોરી કરવા પ્રેરાયો હતો. ત્યારે ડેવલોપર્સની ઓફિસમાં પડેલી તિજોરીમાં રૂપિયા હોવાની શંકાએ તિજોરી જ ઉપાડી લીધી હતી. પરંતુ તેમાંથી હથિયાર નીકળ્યું હતુ. કૌશલે અગાઉ કોઇ ગુના આચર્યા છે કે કેમ, તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...