તપાસ:શાપરમાં ન્યારી નદીનાં પાણી બન્યા ઝેરી, કેમિકલ છોડનાર ફેક્ટરીમાં થઈ જનતા રેડ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર અઠવાડિયે રાત્રીના સમયે એસિડ જેવું કેમિકલ છોડાય છે, નદીનું પાણી ઢોર પણ નથી પીતા
  • પારડી ગ્રામપંચાયતે પોલીસને સાથે રાખીને તપાસ કરી, નદીમાં નિકાલ કરાતો હોવાનું કર્મચારીઓએ કબૂલ્યું

રાજકોટની ભાગોળે આવેલા શાપરમાં એક ફેક્ટરીમાં પારડી સહિતના ગ્રામજનો અને ખેડૂતોએ પોલીસને સાથે રાખીને જનતા રેડ કરીને તેમાંથી નદીમાં છોડાતા કેમિકલનો પર્દાફાશ કરી પ્રદૂષણનો સ્ત્રોત શોધી કાઢતા હવે જીપીસીબી મારફત કાર્યવાહી થાય તેની રાહ જોવાઈ રહી છે. પારડી ગામના આગેવાન તેમજ સરપંચના પતિ રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ગામમાંથી પસાર થતી ન્યારી નદીમાં પાણી પીળું પડી રહ્યું હતું.

આ અંગે ઘણા ખેડૂતોએ ફરિયાદ પણ કરી હતી કે નદીના પાણીમાં નહાવા કોઇ જાય છે તો આખા શરીરે ખંજવાળ તેમજ ચામડીના રોગ થઈ રહ્યા છે. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓની પોલીસે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બધું પાણી એકઠું થાય એટલે સપ્તાહમાં એકવાર રાત્રીના સમયે પાણી છોડી દેવાય છે. જોકે તેમાં કેવા પ્રકારના કેમિકલ છે તે કહેવાનો કર્મચારીએ ઈનકાર કર્યો હતો.

પ્રદૂષણને કારણે જ ન્યારી-2 ડેમનું પાણી પીવાલાયક નથી
રાજકોટમાં ન્યારી-1, આજી-1, ન્યારી-2, આજી-2, ઈશ્વરિયા સહિતના ડેમો છે પણ પીવાના પાણી માટે ન્યારી-1 અને આજી-1નું જ પાણી વપરાય છે કારણ કે ન્યારી-2નું પાણી પીવાલાયક નથી. ન્યારી-2 ડેમમા વોંકળા તેમજ ઔદ્યોગિક વિસ્તારમાંથી છોડાતા કેમિકલને કારણે પાણી પિયતમાં માંડ વપરાય છે. શાપર(વેરાવળ)માં ગ્રામજનોએ જે રીતે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી શોધી કાઢી છે આવી ઘણી ફેક્ટરીઓ અને કારખાનાઓ જીપીસીબીની નિષ્ક્રિયતાને કારણે કેમિકલ છોડી રહ્યા છે જેથી પાણી બગડી રહ્યું છે. પરિણામે રાજકોટ પાસે ડેમ ભરેલા હોવા છતાં સૌની યોજનાનું પાણી ઠાલવવું પડે છે જે ખૂબ મોંઘું પડે છે.

મંગળવારે રાત્રે પાણી છોડાય છે : પશુપાલક
શાપરના પશુપાલકોએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રીના સમયે અચાનક જ નદીનું પાણી પીળું થઈ જતું હતું જેથી તપાસ કરતા ફેક્ટરીમાંથી રાત્રે જ પાણી છોડાતું હોવાની ખાતરી થઈ હતી. આ પાણી બુધવાર સુધીમાં છેક પારડી પહોંચી જતું હતું. આ ત્રણ દિવસો દરમિયાન પાણી પશુઓ પણ પીતા ન હતા. જ્યારે વરસાદ આવે ત્યારે બધું કેમિકલ ધોવાઈ જતું હતું તેથી ક્યાંથી પાણી આવે છે તે પકડવું મુશ્કેલ હતું. 15 દિવસની તપાસ બાદ ફેક્ટરી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...