ક્રાઇમ:ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરનાર ચોકીદાર દંપતી વાહન અને મોબાઇલ પણ ચોરી ગયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના પોશ વિસ્તાર એવી પર્ણકુટી સોસાયટી મેઇન રોડ પર આવેલી શ્રી કોલોનીમાં રહેતા ઉદ્યોગપતિના ઘરમાં ચાર દિવસ પહેલા થયેલી ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ છે. ઘરની રખેવાળી માટે રાખેલા નેપાળી દંપતીએ જ ઘરમાંથી રૂ.19.58 લાખની માલમતા ઉપરાંત ઘર સાચવવા માટે રાખેલા કર્મચારીનું વાહન અને મોબાઇલ પણ ચોરી ગયાનું તપાસમાં ખુલ્યું છે. માલવિયાનગર પોલીસમથકના પીઆઇ કે.એન.ભૂકણ સહિતના સ્ટાફે ચોરાયેલો મોબાઇલ, વાહન તેમજ બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

નાના ભાઇના પુત્રના લગ્ન પતાવી રાજસ્થાનથી પરત આવેલા પરષોત્તમભાઇ વેલજીભાઇ કમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મકાનની ચોકીદારી કરવા માટે 15 દિવસ પહેલા જ નિરામન બહાદુર શાહી અને તેની પત્ની સવિતાને નોકરીએ રાખી રહેવા માટે આઉટહાઉસમાં જગ્યા આપી હતી. દરમિયાન ભત્રીજાના લગ્નમાં રાજસ્થાનમાં જવાનું હોય કારખાનાના કર્મચારી પરેશ શાંતિલાલ વાઘેલાને પણ ઘરનું ધ્યાન રાખવા બોલાવ્યો હતો.

તા.10ની વહેલી સવારે પરિવારજનો સાથે લગ્નપ્રસંગમાં રાજસ્થાન જવા નીકળ્યા હતા. અને બીજા જ દિવસે પાડોશીનો ચોરી થયા અંગેનો ફોન આવ્યો હતો. જેથી પ્રસંગ આટોપી તુરંત રાજકોટ પરત ફર્યા હતા. દરમિયાન કર્મચારી પરેશને પૂછતા તા.10ની રાતે જ ચોકીદાર દંપતીએ પ્રસાદી હોવાનું કહી કોઇ ઘેની પદાર્થ ખવડાવ્યો હતો. જે ખાધા બાદ પોતે બેભાન થઇ ગયો હતો. સવારે ભાનમાં આવતા પોતાનો મોબાઇલ તેમજ તેનું એક્ટિવા પણ ગાયબ હોવાનું જણાવ્યું હતું.

નેપાળી દંપતી ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના ઘરેણાં મળી રૂપિયા 19.58 લાખની મતા તેમજ કર્મચારી પરેશ વાઘેલાનું એક્ટિવા અને મોબાઇલ મળી કુલ રૂ.19.83 લાખની મતા ચોરી થઇ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ચોરી કરનાર નેપાળી દંપતિને પકડી લેવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...