ફરિયાદ:સુરતની ચીટર ગેંગનો ભોગ બનનાર પોલીસ પાસે પહોંચ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ, બરોડા, જામનગર સહિત પૂણેના શખ્સોને ફસાવ્યા

સુરતની ચીટર ગેંગે ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણકારોને ફસાવી કરોડો રૂપિયા ઉસેડી લઇ છેતરપિંડી આચર્યાના મામલામાં રાજકોટમાંથી એકાદ કરોડનો કડદો કરનાર ચીટર ગેંગનો જામનગરના રોકાણકારો પણ ભોગ બન્યા હતા, જામનગરના છ લોકો રાજકોટ પોલીસ પાસે દોડી આવ્યા હતા અને પોતાની કથની વર્ણવી હતી. આરોપીઓએ ગુજરાતના મુખ્ય શહેરો ઉપરાંત પૂણેના લોકોને પણ ફસાવ્યા હતા.

ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી કરવા અંગે રાજકોટમાં જલારામ પ્લોટમાં રહેતા એડવોકેટ મહેન્દ્રભાઇ દાદભાઇ વાળાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે સુરતના બ્રિજેશકુમાર જગદીશચંદ્ર ગડિયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિરેન ગુપ્તાના નામ આપ્યા હતા. મહેન્દ્રભાઇ વાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ટ્રોનના નામે ક્રિપ્ટો કરન્સીમાં આકર્ષક વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું અને બાદમાં ટ્રોનમાંથી મેગાટ્રોનમાં રૂપાંતર કરી તેની કિંમત ઝીરો કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી.

પોલીસે ગુનો નોંધાતા જ બ્રિજેશ ગડિયાલી અને કિરણ પંચાસરાને ઝડપી લઇ 12 દિવસના રિમાન્ડ પર લીધા હતા. તપાસનીશ અધિકારી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ જામનગરમાં પણ કેટલાક લોકોને ફસાવ્યા હતા જે પૈકી છ લોકો સોમવારે રાજકોટ ક્રાઇમ બ્રાંચે દોડી આવ્યા હતા અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, આ ઉપરાંત રાજકોટના પણ ભોગ બનનારાઓના નિવેદનો નોંધાયા હતા.

આરોપીઓએ ગુજરાતના બરોડા, અમદાવાદ, રાજકોટ, જામનગર અને પોરબંદરના તથા પૂણેના રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. રિમાન્ડ પર રહેલા આરોપીઓ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, ટ્રોનનો તમામ હિસાબ ફરાર થઇ ગયેલા ધવલ લહેરી પાસે રહેતો હતો. રોકાણકારોને આકર્ષવા માટે ચીટર ગેંગ દીવ, ગોવા અને રાજસ્થાનની હોટેલમાં કાર્યક્રમ યોજતા હતા અને તેની પાછળ લખલૂંટ ખર્ચો કરતા જેથી આર્થિક તૂટી રીતે ગયાનું રટણ રટ્યું હતું. પોલીસે આરોપીઓની વિશેષ પૂછપરછ યથાવત્ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...