શહેર પોલીસે વધુ એક વ્યાજખોરીનો ગુનો નોંધ્યો હતો, જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કટકે કટકે રૂ.2.14 લાખ વ્યાજે લીધા હતા જેની સામે રૂ.4.30 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તારે કિડની વેચીને પણ વધુ પૈસા આપવા પડશે નહિતર ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી, એટલું જ નહિ વ્યાજખોરનો હવાલો લઇ અન્ય બે એ પણ ધમકી શરૂ કરી હતી.
જંક્શન પ્લોટના લોહાણાચાલ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં રાજ અરવિંદ કારિયા (ઉ.વ.23)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી નજીકના ગોલ્ડન પોર્ટિકોટ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત સુભાષ પૂજારા, જામનગર રોડ રેલવે કોલોનીમાં રહેતા મિતેષ કિશોર કડીવાર અને નૈમિષ મહેન્દ્ર દવેના નામ આપ્યા હતા. રાજ કારિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બર 2021થી 13 જુલાઇ 2022 સુધીમાં હોસ્પિટલના ખર્ચ અને અન્ય ખર્ચ માટે પ્રશાંત પૂજારા પાસેથી રૂ.2,14,500 વ્યાજે લીધા હતા અને તેને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો,
રાજની માતાએ પણ તે જ્યાં કામ કરે છે ત્યાંથી ઉપાડ લઇને વ્યાજખોરના નાણાં ચૂકવ્યા હતા, અત્યાર સુધીમાં 4,30,500 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ રૂ.1.70 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, કિડની વેચીને પણ પૈસા તો આપવા જ પડશે નહિતર તને ઉપાડી જઇને ટાટિયા ભાંગી નાખીશ. ત્યારબાદ મિતેષ કડીવાર અને નૈમિષ દવેએ વ્યાજખોર પ્રશાંત પૂજારાનો હવાલો લઇને રાજ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી અને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
મંગળવારે પોલીસનો લોકદરબાર, સ્થળ પર વ્યાજખોરીના ગુના નોંધાશે
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તા.10ને મંગળવારે સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે, આ લોકદરબારમાં જેસીપી સૌરભ તોલંબિયા, ડીસીપી ડો.સુધીર દેસાઇ, ડો.પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર તેમજ તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હાજર રહેશે,
જે લોકો વ્યાજખોરીનો ભોગ બન્યા હોય તેઓ આ લોકદરબારમાં પોતાની વ્યથા ઠાલવી શકશે અને તેમની રજૂઆત યોગ્ય લાગે સ્થળ પરથી જ ગુના નોંધવાની કાર્યવાહી થશે કોઇ વ્યક્તિએ અરજી કરી હોય અને તેમાં તેમને સંતોષ ન થયો હોય તેવી વ્યક્તિ પણ ફરીથી આ લોકદરબારમાં રજૂઆત કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.