પઠાણી ઉઘરાણી:10 ટકાના વ્યાજે 30 હજાર લેનાર ખેડૂતને વ્યાજખોરે ધમકી આપી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરના ત્રાસથી ખેડૂતે ઝેરી દવા પી લેતા નોંધાઇ ફરિયાદ
  • વડાળીના ખેડૂતે લીધેલા નાણાં ચૂકવી દીધા છતાં ઉઘરાણી ચાલુ રાખી

પોલીસની બેધારી નીતિને કારણે બેરોકટોક જરૂરિયાત લોકોને તોતિંગ વ્યાજે નાણાં દેતા વ્યાજખોરો વધુ નાણાં પડાવવા ધાક-ધમકી આપતા હોવાના અને હુમલો કરતા હોવાના બનાવો છાશવારે બનતા રહે છે. વધુ એક બનાવમાં ખેડૂતે આપઘાતની કોશિશ બાદ વ્યાજખોરના ત્રાસથી પગલું ભર્યાનું જણાવાતા આજી ડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.

રાજકોટ તાલુકાના વડાળી ગામે રહેતા ખેડૂત નિલેશ કરશનભાઇ મૂછડિયા નામના યુવાને શનિવારે બપોરે તેના ઘરે મકાઇમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘરમાં તે પડી જતા તેના માતા-પિતા તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ખેડૂતના આપઘાતની કોશિશના બનાવની જાણ થતા આજી ડેમ પોલીસમથકના હેડ કોન્સ.એમ.ડી.પરમાર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. સારવાર લઇ રહેલા યુવાનની પૂછપરછ કરતા તેને વ્યાજખોરના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે નિલેશની વિશેષ પૂછપરછ કરતા તે વડાળી ગામે માતા-પિતા, પત્ની, બે સંતાન સાથે રહીને ખેતીકામ કરે છે.

દરમિયાન બે વર્ષ પહેલા પોતાને નાણાંની જરૂરિયાત હોય ગામમાં જ રહેતા અને વ્યાજે પૈસા આપતા જયદીપ ઉર્ફે લાલો ગોવિંદ મૂછડિયા અને અભીસિંહ કાનુભા જાડેજા પાસેથી દશ ટકાના વ્યાજે રૂ.30 હજાર લીધા હતા. નાણાં લીધા બાદ સમયસર બંનેને વ્યાજ તેમજ મુદલ રકમ ચૂકવી દીધા હતા. છતાં બંને અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી ગાળો ભાંડી પરેશાન કરતા હતા. એટલું જ નહિ ફોન પર બંને વ્યાજ તેમજ પૈસા તાત્કાલિક આપી દેવા નહીંતર મારી નાંખવાની ધમકી આપતા તેમજ નાણાં ન ચૂકવી શકે તો પોતાનું બાઇક દઇ જવા દબાણ કરતા હતા.

દરમિયાન શનિવારે ફરી બંનેનો ફોન આવ્યો હતો. અને વધુ એક વખત વ્યાજની તેમજ મુદલ રકમ ચૂકવી દેવા ધમકી આપી હતી. આમ બંને વ્યાજનું વ્યાજ ચડાવી યેનકેન પ્રકારે પોતાની પાસે વ્યાજની તેમજ પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધમકી દેતા હોય કંટાળીને ઝેરી દવા પીધી હતી. પોલીસે બંને વ્યાજખોરની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...