ફાયનાન્સની બેઠક:ભવનોના કાર્યક્રમો માટે યુનિવર્સિટી હવે વિકાસ ફંડમાંથી પૈસા નહીં આપે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ મીટીંગે છાત્ર સંઘર્ષ સમિતિનો હોબાળો
  • કોન્ફરન્સ સહિતના કાર્યક્રમોમાં બિનજરૂરી ખર્ચા બંધ કરવા મુદ્દે વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે ફાયનાન્સ કમિટીની બેઠક મળી હતી જેમાં મુખ્યત્વે જુદા-જુદા ભવનોમાં અગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો માટે પૈસા ફાળવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. ફાયનાન્સ કમિટીની મિટિંગમાં ભવનોમાં યોજાનારા કાર્યક્રમોમ યુનિવર્સિટી વિકાસફંડમાંથી નાણા નહીં આપે તેવો નિર્ણય કર્યો હતો.

દરેક ભવને પોતાની પાસે રહેલા ફંડમાંથી જ કાર્યક્રમો યોજવા તેવું જણાવાયું હતું. પરંતુ આ અંગે હજુ આખરી નિર્ણય કુલપતિ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. જો કે શુક્રવારે બપોરે ફાયનાન્સ કમિટીની બેઠક ચાલી રહી હતી તે દરમિયાન જ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના આગેવાનોએ યુનિવર્સિટીમાં આવીને હંગામો મચાવી દીધો હતો અને ફાયનાન્સ કમિટીમાં જેટલા એજન્ડા મુકાયા છે તેમાં બિનજરૂરી ખર્ચા બંધ કરવા માંગણી કરી હતી.

શુક્રવારે બપોરે કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીની અધ્યક્ષતામાં ફાયનાન્સ કમિટીની બેઠક મળી હતી. મિટિંગમાં મુખ્ય એજન્ડામાં IQACએ કરેલી દરખાસ્તમાં એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ માટે પ્રતિવર્ષ 5 લાખ અને પાંચમાં વર્ષ માટે 7 લાખ સહિત કુલ 31.86 લાખની દરખાસ્ત કરાઈ હતી. યુનિવર્સિટી અને રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન વચ્ચે થયેલા કરાર અંતર્ગત 21થી 25 સપ્ટેમ્બર દરમિયાન રેસિડેન્સિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સ TAPAS-2ના આયોજન માટે 7 લાખની દરખાસ્ત કરાઈ હતી.

એ.ડી શેઠ પત્રકારત્વ ભવનને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતા હોય સુવર્ણજયંતી વર્ષની ઉજવણી માટે વર્ષ દરમિયાન જુદા જુદા 5 કાર્યક્રમો માટે 6.32 લાખની દરખાસ્ત કરવામાં આવી હતી. આંકડાશાસ્ત્ર ભવનમાં બે દિવસ માટે યોજાનારી નેશનલ કોન્ફરન્સ માટે 7 લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી. આ તમામ દરખાસ્તમાંથી મોટાભાગની મંજૂર કરી દેવામાં આવી છે. પરંતુ જે ભવનોએ દરખાસ્ત કરી છે તેમને યુનિવર્સિટી વિકાસ ફંડમાંથી પૈસા આપવાની ના પાડી છે.

અન્ય સમાચારો પણ છે...