ભાસ્કર એક્સક્લૂઝિવ:નેતાઓની કોલેજોમાં એડમિશન થઇ ગયા એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક્સટર્નલના પ્રવેશ ફોર્મ જાહેર કર્યા!

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 8 ઓગસ્ટથી યુનિવર્સિટીમાં બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ.ના ફોર્મ ભરાશે
  • ધો.12ના પરિણામ બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ કોલેજોમાં પ્રવેશ લઇ લીધા, પછી યુનિ.એ એક્સટર્નલની જાહેરાત કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 8 ઓગસ્ટથી બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ.ના એક્સટર્નલના ફોર્મ બહાર પાડવાનું નક્કી કરાયું છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું, ત્યારબાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની ભાજપ અને કોંગ્રેસના નેતાઓની કોલેજોમાં વિદ્યાર્થીઓના એડમિશન થઇ ગયા ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઓગસ્ટમાં એક્સટર્નલમાં પ્રવેશ મેળવવાની જાહેરાત કરી છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ 12 મે અને ધોરણ 12 કોમર્સનું પરિણામ 4 જૂનના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યું. ધો.12 પછી કોલેજમાં જુદા જુદા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પૈકી કેટલાક વિદ્યાર્થીઓ એક્સટર્નલ અભ્યાસક્રમની રાહ જોઈ રહ્યા હતા.

જુલાઈ મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 240 કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ ત્યાં સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બી.એ., બી.કોમ. સહિતના એક્સટર્નલ કોર્સની જાહેરાત બહાર ન પાડી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના નેતા, યુનિવર્સિટીના સિન્ડિકેટ અને સેનેટ સભ્યોની પણ કોલેજો ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીએ તેઓને સીધો લાભ આપવા એક્સટર્નલની જાહેરાત ન કરી. જુલાઈમાં તમામ કોલેજોમાં એડમિશન થઇ ગયા, 15 જુલાઈથી કોલેજો પણ શરૂ થઇ ગઈ ત્યારબાદ હવે યુનિવર્સિટીએ 8 ઓગસ્ટથી એક્સટર્નલના ફોર્મ બહાર પાડવાનું નક્કી કર્યું છે.

એક્સટર્નલના ફોર્મ વહેલા બહાર પાડે તો નેતાઓની કોલેજોમાં સીટો ખાલી રહેવાની ભીતિ
ધો.12 પછીના અભ્યાસક્રમના પ્રવેશના ફોર્મ એકસાથે જ જાહેર થવા જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જો બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ.ના એક્સટર્નલના ફોર્મ વહેલા બહાર પાડી દે તો નેતાઓની કોલેજોમાં સીટો ખાલી રહેવાની ભીતિ સેવાઈ રહી હતી. કારણ કે દર વર્ષે એક્સટર્નલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે.

વર્ષે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં પ્રવેશ લે છે
દર વર્ષે બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ. એક્સટર્નલના કોર્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. દર વર્ષે એક્સટર્નલના ફોર્મની રાહ જોઈને કેટલાક વિદ્યાર્થીઓ ઊંચી ફી ભરીને ખાનગી કોલેજોમાં પ્રવેશ પણ લઇ લે છે. યુનિવર્સિટીના 29 ભવનમાં થઇને પીજીના કુલ અંદાજિત 2-3 હજાર વિદ્યાર્થીઓ થાય છે જ્યારે માત્ર એક્સટર્નલના જ વિદ્યાર્થીઓ દર વર્ષે 10 હજાર થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...