રાજકારણનો અડ્ડો બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક વિવાદો થયા છે. તાજેતરમાં જ બાબરાની સરદાર પટેલ લો કોલેજમાં બી.કોમ સેમેસ્ટર-3નું પેપર કોલેજના પ્રિન્સિપાલે જ ફોડી નાખવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી 6 લોકોની ધરપકડ કરી કાર્યવાહી કરી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બાબરાની કોલેજ સામે હજુ સુધી કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરી નથી.
પેપર લીક કાંડ વખતે યુનિવર્સિટીના સત્તાધીશોએ સરદાર પટેલ લો કોલેજનું જોડાણ પણ રદ કરવાનું જણાવ્યું હતું પરંતુ પેપર લીક કાંડને 20 દિવસ થવા છતાં હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓએ આ કોલેજ સામે જોડાણ રદ કરવાની કોઈપણ કાર્યવાહી નહીં કરીને કોલેજ સંચાલકોને છાવરી રહ્યા છે. હાલ માત્ર કોલેજનું પરીક્ષા કેન્દ્ર જ રદ કરવામાં આવ્યું છે.
23મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટીની પરીક્ષામાં બી.કોમ સેમેસ્ટર-3ની પરીક્ષામાં અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ ફૂટી જવાની ઘટનામાં પોલીસે બાબરાની કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ સહિત 6 વ્યક્તિને પકડી પાડ્યા હતા અને કાર્યવાહી કરી હતી.
જે-તે સમયે યુનિવર્સિટીના સત્તાધીશોએ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા, પ્રિન્સિપાલની શૈક્ષણિક માન્યતા રદ કરવા અને કોલેજનું જોડાણ પણ રદ કરવાના આદેશ આપ્યા હતા પરંતુ બાદમાં બાબરાની કોલેજના સંચાલકોએ પણ યુનિવર્સિટીને કોલેજનું જોડાણ રદ નહીં કરવા રજૂઆત કરી હતી અને સત્તાધીશો પાણીમાં બેસી ગયા અને બાબરાની કોલેજ સામે અત્યાર સુધીમાં જોડાણ રદ કરવાની કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. જેથી યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ શંકા ઉપજી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.