ક્રાઇમ:કાકા-ભત્રીજાએ આશરો આપવાના બદલામાં ફ્લેટ, ઓફિસ અને કાર ટ્રાન્સફર કરાવી લીધા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના નામે છેતરપિંડી કરનાર આરોપીને કાકા-ભત્રીજાએ આશરો આપ્યો હતો
  • પૂર્વ સરપંચ, તેનો ભત્રીજાના 4 દી’ના રિમાન્ડ, હડપ કરેલી મિલકત કબજે કરવા તજવીજ

શહેરમાં મંડળીના ઓઠા હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં પકડાયેલા આરોપીની પૂછપરછ બાદ તેને આશરો આપી તેની મિલકત હડપ કરી જનાર કાકા-ભત્રીજાને પોલીસે પકડી પાડ્યા છે. કાકા-ભત્રીજાની પૂછપરછ કરવા પોલીસે બંનેને રિમાન્ડ પર લઇ હડપ કરેલી મિલકત કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

સમય ટ્રેડિંગ, આશિષ ક્રેડિટ સોસાયટી બનાવી પ્રલોભનો વાળી સ્કીમો હેઠળ રોકાણકારો પાસેથી રૂ.4.73 કરોડ રૂપિયા મેળવી મંડળીના સંચાલકો, એજન્ટોએ છેતરપિંડી કરી હતી. રોકાણકારોને રાતે પાણીએ રોવડાવનાર ચીટરો સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપીઓને પકડવા દોડધામ શરૂ કરી હતી. જેમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો કલેક્શન મેનેજર દીપક રાઘવજી કોટડિયાને અમદાવાદથી પકડી પાડ્યો હતો.

દીપક પકડાયા બાદ તેની પૂછપરછ કરવા પોલીસે રિમાન્ડ પર મેળવ્યો હતો. રિમાન્ડ દરમિયાન દીપક કોટડિયાની પૂછપરછમાં તેને જણાવ્યું કે, પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોતાને મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામે એપાર્ટમેન્ટમાં રહેતા ભૂખી ગામના પૂર્વ સરપંચ વિનોદ ઉર્ફે વિનુ પરષોત્તમ બેરા અને નાનામવા રોડ પર રહેતા તેના ભત્રીજા મનીષ ચીમન બેરાએ કાલાવડ રોડ પરના એક બંગલામાં તેમજ થોડા દિવસ ભૂખી ગામે આશરો આપ્યો હતો. આશરો આપ્યા બાદ બંનેએ પોતાને ડરાવી કહ્યું કે, તારી સામે ફરિયાદ થઇ છે એટલે પોલીસ તારી તમામ મિલકતો જપ્ત કરશે અને સરકારમાં જમા થઇ જશે.

આવું ન કરવું હોય તો તારી તમામ મિલકતો અમારા નામે કરી આપ, તારો કેસ પતી ગયા બાદ બધી મિલકત પરત આપી દેવાની વાત કરી હતી. જેથી એક ફ્લેટ, બે ઓફિસ, એક કાર તેમના અને તેમના સગાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હોવાનું દીપકે પોલીસને જણાવ્યું હતું. આમ છ મહિનાથી ફરાર આરોપીને આશરો આપનાર અને આરોપીની મિલકતો હડપ કરનાર પૂર્વ સરપંચ વિનોદ ઉર્ફે વિનુ બેરા અને તેના ભત્રીજા મનીષ બેરાને પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.

બંનેની વિશેષ પૂછપરછ કરવા તેમજ દીપકની હડપ કરેલી મિલકતો કબજે કરવા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કાકા-ભત્રીજાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા હતા. કાકા-ભત્રીજાએ દીપક કોટડિયાની પડાવેલી કાર પોલીસે કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...