તપાસમાં વિલંભ:આંગડિયા કર્મચારીને લૂંટનાર બંને લૂંટારુઓ હવામાં ઓગળી ગયા!

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસરી પુલ નીચે બેઠા પુલ પર છરીના ઘા ઝીંકી લૂંટ ચલાવી’તી
  • ઘટનાના નવ દિવસ બાદ પણ લૂંટારુની દિશા પોલીસને મળતી નથી

શહેરના કેસરી પુલ નીચેના બેઠા પુલ પરથી પસાર થયેલા આંગડિયા પેઢીના બે કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી બે લૂંટારુએ લૂંટ ચલાવી હતી, લૂંટની ઘટનાને નવ નવ દિવસ વીતી જવા છતાં પોલીસને આરોપી સુધી પહોંચી શકાય તેવી એકપણ કડી હાથ લાગી નથી.

મોરબી રોડ પરની ગુરુદેવ સોસાયટીમાં રહેતા અને સોનીબજારના દરબારગઢ વિસ્તારમાં આવેલી પી. ઉમેશચંદ્ર આંગડિયા પેઢીમાં નોકરી કરતા જિગ્નેશ અરવિંદભાઇ પટેલ (ઉ.વ.28) અને પાવન દશરથભાઇ પટેલ (ઉ.વ.29) ગત તા.1ને શનિવારે રાત્રે 8 વાગ્યે આંગડિયાપેઢીથી રૂ.10 લાખની રોકડ લઇને બાઇક પર પોતાના ઘરે જવા નીકળ્યા હતા અને બેઠાપુલ પર પહોંચ્યા હતા.

ત્યારે બે શખ્સે તેને આંતર્યા હતા અને બંને કર્મચારી કંઇ સમજે તે પહેલા તેની આંખમાં મરચાંની ભૂકી છાંટી એક કર્મીને છરીનો ઘા અને બીજાને પથ્થરનો ઘા ઝીંકવામાં આવ્યો હતો, બંને લૂંટારુ કર્મચારી પાસે રહેલી રૂ.10 લાખની રોકડ પડાવવા મથી રહ્યા હતા, પરંતુ આંગડિયા કર્મચારીએ હિમ્મત દાખવી પ્રતિકાર કર્યો હતો, અંતે બંને લૂંટારુ બંને કર્મચારીના મોબાઇલ લૂંટીને બાઇકમાં નાસી ગયા હતા.

​​​​​​​હુમલામાં ઘવાયેલા બંને આગડિયા કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બી.ડિવિઝન પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો, લૂંટારુઓ બેઠાપુલથી પારેવડી ચોક, ત્યાંથી મોરબી રોડ થઇ સોખડા સુધી ભાગ્યાના પોલીસને સીસીટીવી ફૂટેજ ઘટનાના બીજા જ દિવસે મળી ગયા હતા, જોકે ત્યારબાદ પોલીસને કોઇ મહત્ત્વની કડી મળી નથી. સનસનીખેજ લૂંટની ઘટનાને નવ દિવસ વિતતા લૂંટારુઓ હવામાં ઓગળી ગયા હતા અને પોલીસ હાથ મસળતી રહી તેવું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...