રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 19મીએ મળવાનું છે અને તેના પ્રશ્નો નગરસેવકોએ આપ્યા છે અને ડ્રોમાં પહેલો જ પ્રશ્ન કોમલબેન ભારાઈનો આવ્યો છે. બોર્ડ માટે પ્રશ્નો મુકાયા ત્યારે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોના પ્રશ્ન અલગ પાડ્યા હતા જોકે વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈ પોતાને આમ આદમી પાર્ટીના ગણાવે છે પણ મનપાના ચોપડે તેમને એક પણ પક્ષમાં નહીં બતાવી ફક્ત ‘ચૂંટાયેલા સભ્ય’ દર્શાવ્યા છે. જેની પાછળ મોટું કારણ એ છે કે, હજુ કોંગ્રેસે રાજીનામું સ્વીકાર્યું નથી.
કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ નોટિસ આપી છે : કોર્પોરેશન સેક્રેટરી
આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવા છતાં શા માટે મનપા તેના કોર્પોરેટર નથી ગણતું તે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી ડો. એચ. પી. રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ‘તે બંને કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટાયેલા છે. હવે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેની સામે કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ નોટિસ આપી છે અને ગાંધીનગર પણ લખ્યું છે.
કોંગ્રેસે તેમનું રાજીનામું સ્વીકાર્યું જ નથી
હજુ ચૂંટણી વિભાગમાંથી કોઇ નિર્ણય આવ્યો નથી તેમજ કોંગ્રેસે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું પણ નથી. આ કારણે તેઓએ પક્ષ છોડ્યો તો પણ જ્યાં સુધી રાજીનામું સ્વીકારી ન લેવાય ત્યાં સુધી બીજા પક્ષમાં જોડાઈ ન શકે તેથી હાલ એકપણ પક્ષના ગણ્યા નથી પણ તેમને કોર્પોરેટર તરીકે મળતા તમામ હક મળવાપાત્ર છે.’
બોર્ડ મિટિંગમાં કોર્પોરેટરોએ અનેક પ્રશ્નો પૂછ્યા
બોર્ડમાં પ્રશ્નોત્તરીમાં પોતાને આપના કોર્પોરેટર ગણાવતા કોમલબેને પહેલો પ્રશ્ન શિક્ષણનો ઉપાડ્યો છે. તેમણે રાજકોટ શહેરની હદમાં આવેલી તમામ શાળા કોલેજોની યાદી મગાવી તેના બિલ્ડિંગ પ્લાન, પાર્કિંગ વ્યવસ્થા તેમજ કેટલો વેરો વસૂલવામાં આવે તેની વિગતો માગી છે. જ્યારે કોંગ્રેસે પાણીકાપ અને રસ્તા સહિતની વિગતો માગી છે.
યુરિનલ દૂર કરવા, ચોકના નામકરણની દરખાસ્ત
જનરલ બોર્ડના એજન્ડામાં વિજય પ્લોટ શેરી નં. 12 તેમજ પ્રહલાદ પ્લોટ શેરી નં. 21, ભીચરીનાકા પમ્પિંગ સ્ટેશન પાસે આવેલા જાહેર યુરિનલ દૂર કરવાની દરખાસ્ત આવી છે. આ સિવાય વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ માટે કબ્રસ્તાન અને રાવળ સમાજ માટે સમાધિ સ્થળ માટે જમીન નીમ કરવાની દરખાસ્ત મુકાઈ છે. જ્યારે વોર્ડ નં. 1માં મોચીનગર હોલની બાજુમાં આવેલા ચોકને ગુરુનાનક ચોક તેમજ વોર્ડ નં. 13માં આનંદ બંગલા ચોક પાસેના મેંગો માર્કેટ વાળા ચોકને સ્વ.રતિભાઈ બોરીચા ચોક નામકરણ કરવા દરખાસ્ત આવી છે.
ક્યા પક્ષના કેટલા કોર્પોરેટરે પ્રશ્ન પૂછ્યા
પક્ષ | કોર્પોરેટર | પ્રશ્ન સંખ્યા |
ભાજપ | 11 | 22 |
કોંગ્રેસ | 2 | 6 |
ચૂંટાયેલા સભ્ય | 2 | 4 |
કુલ | 26 | 32 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.