દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવ્યા બાદ હાયર સેકન્ડરી બોર્ડના ઓઠા હેઠળ દિલ્હીમાં નોંધાયેલી સંસ્થાએ દેશવ્યાપી કૌભાંડ આચર્યાનો રાજકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે ગુનામાં પોલીસે જયંતી લાલજી સુદાણી, કેતન હરકાંત જોષી, તનુજાસીંઘ મનોજકુમાર સીંઘ, જિતેન્દ્ર અમૃતલાલ પીઠડિયા, પારસ અશોકભાઇ લાખાણી નામના શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામાં રાજકોટના બજરંગવાડી-9માં રહેતા પરેશ પ્રાણશંકર વ્યાસ ફરાર છે.
ઉપરોકત આરોપીઓએ શિક્ષણને ધંધો બનાવી કોઇપણ માન્યતા લીધા વગર દેશના 14 રાજ્યોના 49 શહેરોમાં કુલ 54 શાળાઓ ચાલુ કરી હતી. જેને કારણે દિલ્હીમાં 2017માં બોર્ડના ઓઠા તળે ચાલતી આ સંસ્થા સામે ગુનો નોંધાયો હતો. આ સંસ્થા તેમની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નકલી સર્ટિફિકેટ ધાબડી કૌભાંડ આચરતા હતા. રાજકોટમાં ગુનો નોંધાયા બાદ એક પછી એક નવી વિગતો પોલીસે બહાર લાવી છે. આ બોગસ ટ્રસ્ટ દ્વારા દેશના 49 શહેરોમાં ચાલતી 54 શાળાઓ પૈકી ગુજરાતમાં રાજકોટ, જસદણ, અમરેલી, અમદાવાદ, વડોદરા, કરજણનો સમાવેશ થાય છે.
એટલું જ નહીં, આ બોગસ શાળાઓએ અત્યાર સુધીમાં 8500થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હોવાનું અને વિદ્યાર્થીદીઠ રૂ.16 હજારની રકમ લેવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. રાજકોટ પોલીસે આ બોગસ સંસ્થાએ કરેલા આર્થિક વ્યવહારો અંગે તપાસ કરતા વધુ કૌભાંડ પ્રકાશમાં આવવાની સંભાવના છે. રાજકોટ પોલીસે નોંધેલા ગુનામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમનો ઉમેરો કર્યો છે.
બોગસ સર્ટિ.થી 250થી વધુ લોકોએ નોકરી મેળવી
દેશવ્યાપી બોગસ સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ 14 રાજ્યોમાં પોલીસે તપાસ કરાવતા બોર્ડના ઓઠા હેઠળ ચાલતા આ કૌભાંડી ટ્રસ્ટના માધ્યમથી બોગસ સર્ટિફિકેટ મેળવનાર 250થી વધુ લોકોએ અલગ અલગ નોકરી મેળવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રેલવે વિભાગમાં કલાર્ક, પેટ્રોલિયમ વિભાગ, પોસ્ટ વિભાગ, પોલીસ, સીઆરપીએફ, એરફોર્સ, આર્મી, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ, મેડિકલ-નર્સિંગ વિભાગ એમ સરકારી તેમજ ખાનગી વિભાગોનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.