ક્રાઇમ:જુગારના પૈસાની ઉઘરાણી કરી ફાઇનાન્સર પર હુમલો કરનાર ત્રિપુટીની ધરપકડ કરાઇ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અટિકા વિસ્તારમાં આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં ઘૂસી ધમાલ કરી’તી

શહેરના ઢેબર રોડ પર આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં ઘૂસી ચાર શખ્સે જુગારના પૈસાની ઉઘરાણી કરી ફાઇનાન્સરને ઢોરમાર માર્યો હતો. આ મામલામાં પોલીસે જામનગરના બે સહિત ત્રણ શખ્સને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

સહકાર મેઇન રોડ પરની ન્યૂ રામેશ્વર સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર અટિકા વિસ્તારમાં બાલાજી એન્ટરપ્રાઇઝ નામે ફાઇનાન્સની ઓફિસ ધરાવતાં સમીર મનુભાઇ સોરઠિયા (ઉ.વ.36)એ બે દિવસ પૂર્વે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના ધમભા ઝાલા, જયપાલ ગોહિલ, કૃષ્ણસિંહ જાડેજા તથા એક અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ફાઇનાન્સરે આક્ષેપ કર્યો હતો

કે, સાતમ આઠમના તહેવાર પર તે સતત સાત દિવસ રાજકોટની ઇમ્પિરિયલ હોટેલમાં જુગાર રમવા ગયો હતો અને તેમાં રૂ.17.50 લાખ હારી ગયો હતો જે રકમની ઉઘરાણી કરી માથાભારે શખ્સોએ ગાળો ભાંડી હુમલો કર્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે સૂત્રધાર જામનગરના કૃષ્ણનગરમાં રહેતા ધર્મરાજસિંહ ઉર્ફે ધમભા ભૂપતસિંહ, જામનગરના ખોડિયાર કોલોનીના જયપાલસિંહ મનુભા ગોહિલ અને રાજકોટના સત્યનારાયણનગરના કૃષ્ણસિંહ હરિશ્ચ્રંદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓએ કબૂલાત આપી હતી કે, જુગારના પૈસાની ઉઘરાણીમાં માથાકૂટ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સરભરા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...