શખ્સની ધરપકડ:કાપડની દુકાનમાંથી રોકડ ચોરી કરનાર શખ્સને વેપારીએ પીછો કરી ઝડપી લીધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પરસાણા મેઇન રોડ, સિંધી કોલોનીમાં રહેતા અશોકભાઇ આત્મારામભાઇ તુલસીયાણી નામના વેપારી યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે તેના ભાઇ સાથે જંક્શન મેઇન રોડ પર તાસ્કંદ ટેરીન સેન્ટરના નામથી કાપડની દુકાન ધરાવે છે. દરમિયાન બુધવારે રાબેતા મુજબ દુકાને હતા. ત્યારે બપોરના સમયે બાજુની દુકાનમાં જમવા ગયો હતો.

જમીને દુકાનમાં જતા હતા તે જ સમયે એક શખ્સ દુકાનની અંદરથી બહાર ભાગ્યો હતો. જેથી તેનો પીછો કરી ભાગી રહેલા શખ્સને પકડી પાડ્યો હતો. તેની તલાશીમાં પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.5 હજાર મળી આવ્યા હતા. ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસને જાણ કરી હતી.પોલીસ પૂછપરછમાં તે રૈયાધારમાં રહેતો દશરથ ગભુ જોગરાણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી પકડાયેલા શખ્સની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...