રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને આર્થિક નબળા વર્ગના બાળકોને ધો.1માં મફત પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલી રહી છે. ત્યાર સુધીમાં બે રાઉન્ડ જાહેર કરી દેવાયા છતાં હજુ પણ 8501 જગ્યા રાજ્યભરની શાળાઓમાં ખાલી પડી છે.
બીજા રાઉન્ડની ફાળવણી બાદ ખાલી રહેલી 8501 જગ્યા પર RTE પ્રવેશ પ્રક્રિયાનાં ત્રીજા રાઉન્ડની કાર્યવાહી કરાશે. જે અંતર્ગત RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 26 મેથી 28 મે સુધીમાં RTEના વેબપોર્ટલ પરથી શાળા બદલી શકશે.
શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 સ્કૂલમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જેમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં 70797ને પ્રવેશ અપાયો હતો પરંતુ 62895 વિદ્યાર્થીએ જ શાળામાં જઈને પ્રવેશ નિયત કરાવ્યો હતો. જેથી હવે બાકી જગ્યા પર ફરી રાઉન્ડ બહાર પડાશે.
આવી રીતે થશે શાળાની પુનઃ પસંદગી
વિદ્યાર્થીઓએ 26 મેથી 28 મે સુધીમાં RTEના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃપસંદગીના મેનૂ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃપસંદગી કરી શકાશે. શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. વધુ વિગત માટે હેલ્પલાઈનનો સંપર્ક કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.