• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Then Mamladar Of Chotila Had Privatized 730 Acres Of Government Land In Bamanbor, Rajkot Collector Submitted To The Government

જમીન કૌભાંડ:ચોટીલાના તત્કાલિન મામલદારે બામણબોરની 730 એકર સરકારી જમીન ખાનગી ઠેરવી હતી, રાજકોટ કલેક્ટરે સરકારને સુપ્રત કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસવીર.

રાજકોટના બામણબોરના ચકચારી 400 કરોડના જમીન કૌભાંડની 730 એકર જમીન અંતે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા ચુકાદો આપી સરકાર હસ્તક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ALCની આ જમીન ચોટીલા તાલુકાના તત્કાલિન મામલતદારે ખાનગી ઠેરવી દેતા આ પ્રકરણ કાનૂની એરણે ચડ્યું હતું. જેમાં જમીન વેચાણની 17 જેટલી હક્ક નોંધ રિવિઝનમાં લઈ કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા રદ કરી આ જમીન સરકાર હસ્તક કરી દીધી છે.

ચોટીલાના તત્કાલિન મામલતદારે એક જ ઝાટકે ખાનગી માલીકીની ઠરાવી દીધી હતી
આ અંગેની વિગતો એવી છે કે, બામણબોરની 730 એકર 74 ગુંઠા સરકારી જમીનના ચોટીલાના તત્કાલિન મામલતદારે કલમના એક જ ઝાટકે ખાનગી માલીકીની ઠરાવી દીધી હતી. ત્યારબાદ આ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સમાવેશ થતા આ કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે મામલતદારનો આ હુકમ રિવિઝનમાં લીધો હતો. બામણબોરના સર્વે નંબર 47ની આ ખેતીની જમીન પૈકી ખાતેદાર સાતાભાઈ ભાણાભાઈની 364 એકર 31 ગુંઠા તથા દાનાભાઈ ભાણાભાઈની 364 એકર 11 ગુંઠા જમીન ફાજલ ગણીને 1981માં સરકારી જમીન તરીકેની નોંધો ગામના દફ્તરે પાડી દેવામાં આવી હતી.

2018માં બામણબોર વિસ્તારનો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરાયો હતો
ત્યારથી કુલ 730 એકરથી વધુની આ જમીન સરકારની માલીકીની હતી. મહેસુલપંચ સુધી ચાલેલા કેસમાં અરજદારોની અપીલો પણ નામંજૂર રહી હતી. ત્યારબાદ વર્ષ 2018માં બામણબોર વિસ્તારનો રાજકોટ જિલ્લામાં સમાવેશ થયા પછી જમીન દફ્તર સુરેન્દ્રનગરથી રાજકોટ મોકલવામાં આવ્યું હતું. જેની ચકાસણી વખતે રાજકોટ તાલુકા મામલતદારને આ જમીનનો વ્યવહાર શંકાસ્પદ ગણાતા તેમણે આ સંદર્ભે રાજકોટ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. જેને અનુલક્ષીને સુરેન્દ્રનગર મહેસુલ તંત્ર પાસેથી આ કેસની ફાઈલો મંગાવવામાં આવી હતી, પણ વિગતો મોડે મોડે અને અપૂરતી મળી હતી. આ પ્રકરણમાં 2017માં આ જમીન અંગેના ચોટીલાના તત્કાલિન મામલતદારનો હુકમને રિવિઝનમાં લેવામાં આવ્યો હતો.

જમીનનું 17 જેટલા આસામીઓને વેચાણ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, આ જમીન અંગેના હુકમો ચોટીલાના તત્કાલિન નાયબ મામલતદાર જી.આર.ધાડવીએ કર્યા હતા. જે-તે વખતે તેઓ તાલુકા મામલતદારના ચાર્જમાં હતા. બામણબોર જીવાપરની અન્ય એક મહામુલી જમીનના એક કેસમાં પણ તેઓની સંડોવણી પણ ખુલી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન બામણબોરના આ જમીન કૌભાંડમાં જમીનનું 17 જેટલા આસામીઓને વેચાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ALCની આ જમીનમાં કૌભાંડ થયાનું ખુલતા 17 જેટલા વેચાણની હક્ક નોંધો રિવિઝનમાં લઈ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રદ કરી નાખી છે અને આ જમીન સરકાર હસ્તક મૂકી દીધી છે.

ઈમિટેશન જ્વેલરી પાર્કના નિર્માણ માટે દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ઈમિટેશન જ્વેલરી પાર્કના નિર્માણ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 2 લાખ સ્ક્વેર મીટર જમીન ફાળવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રને કરાયેલ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...