રાજકોટમાં હેવાનિયતની હદ:ભાડુઆત મહિલાએ કેફી પદાર્થ ભેળવેલી ચા પીવડાવી મકાન માલિક મહિલાને બેભાન કરી, કહેવાતા ભાઈએ દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો

રાજકોટ4 મહિનો પહેલા

રાજકોટમાં રહેતા મહિલાએ દોઢેક વર્ષ પહેલા ભાયાવદરના રમા દેવશીભાઈ સોલંકીને કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરની ઓરડી ભાડે આપી હતી. ત્યાં અવારનવાર રમા ઓરડીની માલિક મહિલાને બેસવા બોલાવતી હતી. એક દિવસ ભાડુઆત રમાએ તેમના કહેવાતા ભાઈ મનોજ બોરીચાને બોલાવી તેની સાથે ઓળખાણ કરાવી હતી. તેમના સાળાને કેન્સરની બીમારી હોય તેમ કહી મહિલા પાસેથી અલગ અલગ સમયે રૂ.21000 પડાવી લીધા હતા. બાદમાં એક દિવસ મહિલાને આ રમાએ ઘરે બોલાવી ચામાં કેફી દવા ભેળવી બેભાન કરી દીધી હતી. બાદમાં મનોજે પરાણે શરીર સબંધ બાંધી તેનો વીડિયો ઉતારી બ્લેક મેઇલ કરી રૂ.38,000 પડાવ્યા હતા. આ અંગે તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

રમા સાથે 2500 રૂપિયા ભાડુ નક્કી કર્યું
કાલાવડ રોડ પર રહેતી એક મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા કાલાવડ રોડ આંબેડકરનગર પાસે અમારી ઓરડીઓ આવી હોય આ ઓરડીઓ પાસે રમા મળી હતી. તેણે જણાવ્યું હતું કે, તમારે મકાન ખાલી પડ્યું છે જે ભાડે આપવાનુ હોય તો મારે ભાડે જોઇએ છે. આથી મેં તેને હા પાડી હતી અને નજીકમા મારા મકાનેથી ચાવી લાવી તેને મકાન ખોલી બતાવ્યું હતું. આ રમાને અમારૂ મકાન પસંદ આવી ગયું હતું અને દર મહિને રૂ.2500 ભાડું આપવાનુ નક્કી કર્યું હતું.

મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)
મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)

રમાએ કહેવાતા ભાઈ મનોજને રૂપિયાની જરૂર છે તેવી વાત કરી
બાદમાં રમા મારા મકાનમા ભાડુઆત તરીકે રેહવા લાગી હતી. થોડા દિવસ બાદ હું મારા મકાને આંટો મારવા ગઈ તે વખતે રમાને મળી હું મારા ઘરે પરત આવી ગઈ હતી. ત્યારબાદ આશરે 10 દિવસ બાદ રમાએ ફોન કરી જણાવ્યું હતું કે, તમે મારા ઘરે બેસવા માટે આવો, આથી હું મારા ઘરેથી રમાને ત્યાં બેસવા ગઇ હતી. ત્યારે વાતવાતમાં રમાએ મને જણાવ્યું કે, મારા ભાઇ મનોજ બોરીચાના સાળાને કેન્સરની બીમારી છે. આથી મારા ભાઇને રૂ.10,000ની જરૂર છે. આથી તેણે મારી પાસે રૂપિયા માગતા મેં તેને રોકડા 10 હજાર રૂપિયા આપ્યા હતા.

બીજીવાર રમાએ 11 હજાર પડાવી લીધા
આ રમાએ મને જણાવ્યું હતું કે, મનોજ બોરીચા મારો ભાઇ છે તેવી ઓળખાણ કરાવી હતી. થોડા દિવસ પછી હું મારા મકાને ભાડા માટે રમા પાસે ગઈ અને ભાડાની માગણી કરતા તેણે મને મકાનનું ભાડુ આપ્યું હતું. થોડા દિવસ પછી રમાનો મને ફોન આવ્યો કે, મારે મારા ભાઈ મનોજને બીજા રૂ.11,000ની જરૂર છે. આથી મેં રૂપિયા આપ્યા અને કુલ મળી મેં આ રમાને રૂ. 21,000 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. મારા મકાનનુ બે મહિનાનુ ભાડુ રૂ.5,000 લેવાનું બાકી હોય જે કુલ મળી મારે રમા પાસે રૂ.26,000 લેવાના બાકી હતા.

ભાડુઆત મહિલાએ આખો ખેલ ખેલ્યો (પ્રતિકાત્મક તસવીર)
ભાડુઆત મહિલાએ આખો ખેલ ખેલ્યો (પ્રતિકાત્મક તસવીર)

ચા પીધા બાદ મને આંખે અંધારા આવ્યા હતા
બાદમાં 18 ડિસેમ્બર 2020ના રોજ સાંજના સમયે રમાનો ફોન આવ્યો હતો અને ઘરે બેસવા આવો તેમ જણાવ્યું હતું. આથી હું મારા ઘરેથી મારા ભાડુઆત રમાને ત્યાં બેસવા માટે આશરે પાંચેક વાગ્યાના અરસામા ગઈ હતી. આ વખતે રમાનો ભાઇ મનોજ પણ ત્યાં હતો. આ વખતે રમાએ ચા મૂકી જે મેં પીધી હતી અને થોડીવાર બાદ મને આંખે અંધારા આવવા લાગ્યા હતા. હું અર્ધબેભાન જેવી થઇ ગઈ હતી. આ વખતે રમાનો ભાઇ મનોજ શરીરે અડપલા કરવા લાગ્યો હતો. તેમને મેં ના પાડવા છતા બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

બીજી વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો
બાદમાં મનોજે મને ધમકી આપી કે, મેં તારો વીડિયો ઉતાર્યો છે, આ વાત કોઇને કહેતી નહીં, નહીંતર હું તને સમાજમાં બદનામ કરી નાખીશ. તેમજ હું કહું ત્યારે ફરી વખત મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે નહીંતર તને બદનામ કરી નાખીશની પણ ધમકી આપી હતી. બાદમાં તે તેના ઘરે જતો રહ્યો અને હું સમાજમાં આબરૂના બીકે મેં કોઇને વાત કરી નહીં. 4 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજના સમયે રમાએ મને ફોનથી જણાવ્યું કે, તમે મકાનનું ભાડુ આવીને લઇ જાવ. આથી હું મકાનનુ ભાડુ લેવા માટે જતા હું રમા સાથે બેઠી હતી, તે વખતે મનોજ પણ ત્યાં આવ્યો હતો. બાદમાં રમા કોઇ કામથી બહાર જતી રહી હતી. ત્યારબાદ મનોજે રૂમનો અંદરથી દરવાજો બંધ કરી શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ તેમના મોબાઇલમાં મારો વીડિયો ઉતારી લીધો હતો.

મહિલાએ પતિને વાત કરી તો તેણે હિંમત આપી અને પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)
મહિલાએ પતિને વાત કરી તો તેણે હિંમત આપી અને પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)

પતિએ હિંમત આપતા મેં પોલીસ ફરિયાદ નોંધાવી
બાદમાં તેણે ધમકી આપી 38,000 મારી પાસેથી પડાવી લીધા હતા. રમાના ફોનથી મને ફોન કરી હેરાન કરતો હતો. આથી આ વાત મેં મારા પતિને કરતા તેણે મને હિંમત આપતા પોલીસ મથકે આવી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે રમા સોલંકી અને મનોજ બોરીચા વિરુદ્ધ IPC કલમ 376, 328, 384, 506 અને 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.