તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ માટે ઇનકાર:NRIને ધમકી દેનાર ભાડૂઆતે વોઇસ ટેસ્ટનો ઇનકાર કર્યો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિમાન્ડ પર રહેલું દંપતી પુરાવો આપી ન શક્યું
  • ધમકી આપી હતી તે મોબાઇલ ગુમ થયાનું રટણ

શહેરના રૈયારોડ પરની ગુલમહોર સોસાયટીમાં આવેલા એનઆરઆઇ વૃદ્ધાનો બંગલો પચાવી પાડવાના આરોપસર રિમાન્ડ પર રહેલું દંપતી પોલીસના એકપણ પ્રશ્નનો જવાબ આપી શક્યું નહોતું. વૃદ્ધાને ધમકી દેનાર ભાડૂઆતે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ માટે ઇનકાર કરતા તેની ભૂમિકા વધુ શંકાસ્પદ બની હતી.

લંડન રહેતા નિનાબેન શાહની માલિકીનો બંગલો ગુલમહોર સોસાયટીમાં આવ્યો છે, વર્ષ 2014માં નિનાબેન પાસેથી મનીષ કિશોર ગોહેલ અને તેની પત્ની શોભનાએ ત્રણ મહિના માટે બંગલો ભાડે રાખ્યો હતો અને ત્યારબાદ બંગલા પર કબજો જમાવી દીધો હતો. વિદેશથી નિનાબેન શાહ ફોન કરી મકાન ખાલી કરવાનું કહેતા ત્યારે મનીષ ગોહેલ એનઆરઆઇ વૃદ્ધાને ધમકાવતો હતો. અંતે આ મામલે યુનિવર્સિટી પોલીસે મનીષ અને તેની પત્ની શોભના સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ મામલાની તપાસ ચલાવી રહેલા એસીપી દિયોરાએ જણાવ્યું હતું કે, દંપતી બે દિવસના રિમાન્ડ પર છે. મનીષ ગોહેલે અગાઉ પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, તેણે મકાન પેટે એનઆરઆઇ વૃદ્ધા નિનાબેનને રૂ.3.63 લાખ ચૂકવ્યા હતા, જોકે પોલીસે આ અંગે પૈસા ચૂકવવાના પુરાવા માગતા મનીષ તે આપી શક્યો નહોતો.

મનીષ ફોન પર ધમકી આપતો હતો તે ઓડિયો વૃદ્ધાએ પોલીસને આપ્યો હતો, પોલીસે મનીષ પાસે તે મોબાઇલની પૃચ્છા કરતા તે મોબાઇલ ગુમ થઇ ગયાનું મનીષે રટણ રટ્યું હતું, બીજીબાજુ પોલીસ પાસે ધમકી ભરેલો ઓડિયો છે, એ ઓડિયોમાં મનીષનો જ અવાજ છે કે કેમ તે સ્પષ્ટ કરવા પોલીસે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવાની તજવીજ કરતાં મનીષે તે ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે આરોપી દંપતીની વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...