રાજકોટમાં આજે વેરા-વસુલાત શાખા દ્વારા 15 મિલકત સિલ કરવામાં આવી છે. જ્યારે 38 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી રૂ.1.78 કરોડની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમા કુલ આવક રૂ.285.61 કરોડ થઈ છે. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે. સાંઢીયા પુલની જગ્યાએ નવો ફોર લેન બ્રિજ બનાવવા મનપાએ ડિઝાઇન તૈયાર કરી છે.
મનપાએ ડિઝાઇન તૈયાર કરી રેલવેને મોકલી
રાજકોટ-જામનગર રોડ પર સાંઢીયા પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ પુલની જગ્યાએ નવો ફોર લેન બ્રિજ બનાવવા રાજકોટ મનપાએ ડિઝાઇન તૈયાર કરી રેલવેને મોકલી આપી છે. જેમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ડિઝાઇન મંજૂર કરાયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે. માટે ડિઝાઇનને લીલી ઝંડી મળે તેના માટે રાજકોટ મનપા તંત્ર રાહ જોઇ રહ્યું છે. સાંઢીયા પુલ ખાતે બ્રિજ બનાવવા માટે ડિઝાઇન બનાવીને બજેટમાં 10 કરોડની જોગવાઇ પણ કરી દેવામાં આવી છે. જોકે, આ પ્રથમ ડિઝાઇનમાં રેલવેએ ફેરફાર કરાવતા નવી ડિઝાઇન પણ મોકલી આપવામાં આવી છે, જેની મંજૂરી મળ્યે બ્રિજની કામગીરી આગળ ધપાવવામાં આવશે.
આજી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ક્લેરીફાયર 3ની સફાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુજલામ-સુફલામ યોજના અને આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઇ 4 ફેબ્રુઆરીના રોજ આજી-1 પરના ક્લેરીફાયર 3ની સફાઇ શટડાઉન વગર પાણી વિતરણને અસર કર્યા વગર કરવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટના બેડ નં 1થી 8ની પણ સાથોસાથ સાફ સફાઇ કરેલ છે.
શેરડીના રસનું વેચાણ કરતા 18 ધંધાર્થીનું ચેકિંગ કરાયું
ઉનાળાની ઋતુને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના પેડક રોડ તથા સંત કબીર રોડ વિસ્તારમાં આવેલ શેરડીના રસનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ કુલ 18 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે તથા સ્થળ પર હાઇજીનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
મવડી નગર રચના યોજના અંગેના વાંધા-સૂચનો રજૂ કરી શકાશે
નગર રચના અધિકારી એ.જે. ભટ્ટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ અનુસાર નગર રચના યોજના નં.26 (મવડી)માં સમાવિષ્ટ દરેક મિલકતોના માલિકોને તેમની મિલકતના ઉતારાની નકલ મોકલવાની વ્યવસ્થા કરી છે. આ નિર્ણયોથી અસંતોષ હોય તેવી હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓને કે માલિકોને ઉતારાની નકલ મળ્યેથી 1 મહિનાની અંદર રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલ પ્રમુખ બોર્ડ ઓફ અપીલ, બોર્ડ ઓફ અપીલની કચેરી (C/O મુખ્ય નગર નિયોજકની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે, ચ-3, ક્રોસ રોડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ અપીલના મેમોરેન્ડમની મૂળ નકલ ઉપર લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.
નગર રચના યોજના નં.26ની સંપૂર્ણ માહિતી જોઈ શકાશે
નગર રચના યોજના નં.26ની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીની કચેરીમાં રજાના દિવસો સિવાય જોઇ શકાશે તેમજ તે સમજાવવાની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનો સંબંધિતોને લાભ લેવા નગર નિયોજક 1ના નગર રચના અધિકારી એ.જે. ભટ્ટની યાદીમાં જણાવાયું છે.
સિનિયર સિટીઝન મહિલાઓની ચેસ સ્પર્ધામાં 12 મહિલાએ ભાગ લીધો
સ્પોર્ટસ ઑથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓ માટે ત્રિ-દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ બીજા દિવસે રાજકોટ જિલ્લા ખાતે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે 12 મહિલા ખેલાડીઓએ ઉત્સાહભેર ચેસની સ્પર્ધામાં ભાગ લઈને પોતાની બુદ્ધિમત્તા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાની પુર્ણાહુતિ બાદ વિજેતા ખેલાડીઓનુ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.
આ સ્પર્ધામાં મહિલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો
આ સ્પર્ધામાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરી ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ જણાવ્યું છે.
ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 18મી એપ્રિલથી 16મી મે 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલથી 17મી મે 2023 સુધી ચાલશે.
આટલા સ્ટેશનો પર ટ્રેન સ્ટોપેજ કરશે
આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09523નું બુકિંગ 18 માર્ચ 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.